લંડનઃ નવા પોલમાં પ્રજા લેબરમાં વિશ્વાસ ગુમાવી રહી હોવાનું બહાર આવ્યા પછી ચાન્સેલર રીવ્ઝે નવા ટેક્સ વધારા કે ખર્ચકાપનું જોખમ ઉઠાવ્યું નથી પરંતુ, ધનિક વર્ગ અને પેન્શનરો માટે ઓટમ બજેટમાં નવા ટેક્સીસનું જોખમ ઝળુંબી રહ્યું હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કારની આયાતો પર 25 ટકાની ટેરિફ જાહેર કરવા ઉપરાંત, અન્ય વેપાર ટેરિફ્સની ધમકી આપી છે. ત્યારે ચાન્સેલર રીવ્ઝ પાસે આગામી બજેટમાં અર્થતંત્રની આ ખાઈ પૂરવા નવા ટેક્સીસ લાદવા સિવાય કોઈ માર્ગ રહેતો નથી. ઓક્ટોબર બજેટમાં પેન્શનર્સ પર ટેક્સ, ધનિકો પર વેલ્થ ટેક્સ તેમજ કેપિટલ ગેઈન ટેક્સમાં વધુ એક વધારો સહિતની અટકળો થઈ રહી છે.
એક પોલ અનુસાર સ્પ્રિંગ સ્ટે્ટમેન્ટમાં ચાન્સેલરે 5 બિલિયન જેટલા બેનિફિટ્સ કાપી નાખ્યા પછી તરત લેબર પાર્ટીને સપોર્ટમાં બે પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. લેબર પાર્ટીને સપોર્ટ 27 ટકામાંથી ઘટી 25 ટકા નથયો હતો જ્યારે રિફોર્મ યુકે પાર્ટીને સપોર્ટમાં 1 ટકો વધ્યો હતો. જોકે, ટોરીઝને 23 ટકાના સપોર્ટમાં કોઈ ફેરફાર થયો ન હતો.