ઓડિટર રિહાનને $૧૦ મિલિયન વળતર આપવા EYને આદેશ

એકાઉન્ટન્સી પેઢી અર્ન્સ્ટ એન્ડ યંગે રિહાનને આવકમાં નુકસાન તરીકે ૧૦,૮૪૩,૯૪૧ ડોલર તેમજ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ્સના નુકસાન તરીકે ૧૧૭,૯૫૦ પાઉન્ડનું વળતર આપવું પડશે

Monday 20th April 2020 22:27 EDT
 
 

લંડનઃ એકાઉન્ટન્સી પેઢી અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) દ્વારા મનીલોન્ડરિંગના પુરાવાઓ સાથે ચેડાં કરાયાનું જગજાહેર કરનાર વ્હીસલબ્લોઅર ઓડિટર અમજાદ રિહાનને આવકમાં નુકસાન તરીકે ૧૦,૮૪૩,૯૪૧ ડોલર તેમજ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ્સના નુકસાન તરીકે ૧૧૭,૯૫૦ પાઉન્ડનું વળતર આપવા યુકેની કોર્ટે EYને આદેશ કર્યો છે. ઓડિટર રિહાનને ૨૦૧૪માં નોકરીમાંથી કાઢી મૂકાયા પછી તેમણે EY સામે દાવો કર્યો હતો. EYએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને આ ચુકાદાથી નિરાશા અને આશ્ચર્ય થયાં છે અને તે ચુકાદા સામે અપીલ કરશે.

એકાઉન્ટન્સી પેઢી EYના ઓડિટર રિહાનને ૨૦૧૩માં ઓડિટ દરમિયાન દુબાઈના સૌથી મોટા ગોલ્ડ રિફાઈનર કાલોટીએ ૨૦૧૨માં ૫.૨ બિલિયન ડોલર (૪ બિલિયન પાઉન્ડ)ની રકમ રોકડમાં ચૂકવી હોવાનું જણાયું હતુ. આ રકમ મની લોન્ડરિંગનો પુરાવો હોવાની દલીલ રિહાને કરી હતી પરંતુ, EY દ્વારા સત્તાવાળાઓને કોઈ માહિતી અપાઈ ન હતી. EY પેઢીએ દુબાઈની કાલોટી દ્વારા સોના પરની નિકાસ મર્યાદાને ટાળવા સોનાની પાટોને ચાંદીની પાટ તરીકે નિકાસ કરવાના અપરાધ પર ઢાંકપિછોડો કરવામાં મદદ કરી હતી.

બીબીસી પેનોરમા દ્વારા ગત વર્ષે તપાસમાં જણાયું હતું કે રિહાન દ્વારા કાલોટી ખાતે સ્મગલ્ડ કરાયેલું સોનું શોધી કઢાયું તે વાસ્તવમાં ક્રિમિનલ ગેન્ગની માલિકીનું હતું જે, બ્રિટિશ ડ્રગ્સ ડીલર્સ માટે મની લોન્ડરિંગ કરતી હતી. આ ગેન્ગે યુકે અને અન્ય યુરોપિયન દેશોના ડ્રગ્સ ડીલર્સ પાસેથી રોકડ રકમો મેળવી હતી અને આ નાણાનો ઉપયોગ બ્લેક માર્કેટનું સોનું ખરીદી અને વેચી મની લોન્ડરિંગ કરવામાં થતો હતો. ફ્રાન્સમાં ૨૦૧૭માં મનીલોન્ડરિંગ ગેન્ગના ૨૭ સભ્યને જેલમાં ધકેલાયા હતા. જોકે, કાલોટીએ સોના અને ચાંદીની ખરીદીમાં તેનો હાથ હોવાનો કે કશું ખોટું કર્યાનો ધરાર ઈનકાર કર્યો હતો.

કોર્ટના જસ્ટિસ કેરે ચુકાદામાં જણાવ્યું હતું કે EYનું વર્તન વ્યાવસાયિક ગેરવર્તણૂક સમાન છે. તેમણે કોડ ઓફ એથિક્સ ફોર પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સનું ઉલ્લંઘન કર્યું છે. મિ. રિહાને જણાવ્યું હતું કે,‘ કોર્ટના ચુકાદા સાથે મારા અને મારા પરિવાર માટે સાત વર્ષ લાંબા સંતાપનો અંત આવ્યો છે. મને આશા છે કે EY આ ચુકાદાનો ઉપયોગમાં ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કરશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter