ઓનર્સ લિસ્ટના મામલે સુનાક અને જોન્સન સામસામે

જોન્સને મને યોગ્ય ન હતું તે કરવાનું કહ્યું હતુઃ સુનાકનો બોરિસ પર આકરો પ્રહાર, કમિશન દ્વારા રિજેક્ટ કરાતા નેડિન ડોરિસ અને નાઇજલ એડમ્સના પણ રાજીનામા

Tuesday 13th June 2023 12:54 EDT
 
 

લંડનઃ સાંસદોને અપાનારી ઉપાધિઓના મામલે વડાપ્રધાન રિશી સુનાક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન સામસામે આવી ગયાં છે. રિશી સુનાકે બોરિસ જોન્સન પર આરોપ મૂક્યો છે કે પૂર્વ વડાપ્રધાને મને જે યોગ્ય નથી તે કરવા જણાવ્યું હતું.

બોરિસ જોન્સન અને તેમના બે સાથીઓ દ્વારા અપાયેલા રાજીનામા પર આકરા પ્રહાર કરતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, જોન્સને મને એ કરવા કહ્યું હતું જે કરવા હું તૈયાર નહોતો કારણ કે મને તે યોગ્ય લાગ્યુ નહીં. હું સંસદની આગામી ચૂંટણી સુધી લોર્ડની ઉપાધિ આપવાનું મોકૂફ રાખીને હું હાઉસ ઓફ લોર્ડ્સ એપોઇન્ટમેન્ટ્સ કમિશનની ઉપરવટ જવા માગતો નથી અથવા તો ભવિષ્યમાં આ ઉપાધિ અપાશે તેવું વચન પણ આપવા માગતો નથી. હું નથી માનતો કે તે યોગ્ય છે અને જો લોકોને તે ન ગમે તો તે તેમનો અભિગમ છે.

સુનાકે જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન બન્યો ત્યારે મેં કહ્યું હતું કે, હું અલગ રીતે કામગીરી કરવાનો છું કારણ કે હું રાજકારણમાં બદલાવ લાવવા ઇચ્છું છું અને હું એ જ કરી રહ્યો છું. આપણા દેશની કામગીરીમાં બદલાવ લાવવા માટે, આપણા અર્થતંત્રની વૃદ્ધિ માટે, ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીમાં આપણા દેશને અગ્રેસર બનાવવા માટે હું પ્રતિબદ્ધ છું.

જોન્સન દ્વારા નામાંકિત 8 નેતાઓને હાઉસ ઓફ લોર્ડ્સે રિજેક્ટ કર્યાં

પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા ઓનર્સ લિસ્ટમાં સમાવાયેલા આઠ નેતાઓને હાઉસ ઓફ લોર્ડ્સના એપોઇન્ટમેન્ટ કમિશને નકારી કાઢતાં કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હતો. કમિશને જણાવ્યું હતું કે, તેના દ્વારા મંજૂર કરાયેલા સાત નેતાઓને ડિક્લાસિફાય કરવાનું અસામાન્ય પગલું ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા લેવાયા બાદ અમે જોન્સન દ્વારા નામાંકિત કરાયેલા 8 નેતાને બ્લોક કરી દેવાનો નિર્ણય લીધો હતો. કમિશનના આ નિર્ણય બાદ બોરિસ જોન્સનની પાછળ પાછળ નેડિન ડોરિસ અને નાઇજલ એડમ્સ દ્વારા સંસદપદેથી રાજીનામા આપી દેવાયાં હતાં.

રિશી સુનાક બકવાસ કરી રહ્યા છેઃ બોરિસ જોન્સન

બોરિસ જોન્સને સુનાકના જવાબ બાદ શાબ્દિક યુદ્ધ વધુ વકરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રિશી સુનાક બકવાસ કરી રહ્યા છે. ઓનર્સ લિસ્ટમાં સામેલ લોકોને સન્માનિત કરવા માટે કમિશનની ઉપરવટ જવાની વાત જ નથી. તેમને ફક્ત પુનઃસમીક્ષા કરવા માટે જ કહેવાનું હતું જે એક સામાન્ય પ્રક્રિયા છે.

જોન્સને તેમના પિતાના સન્માન માટે પણ સુનાક પર દબાણ કર્યું હતું

બોરિસ જોન્સને રિશી સુનાક સાથેની વાતચીતમાં પોતાના પિતાની કન્ઝર્વેટિવ પાર્ટી અને પર્યાવરણ માટેની સેવાઓ માટે સન્માનિત કરવા દબાણ કર્યું હતું. જોન્સને સુનાક પર દબાણ કર્યું હતું કે, તેમના પિતાને નાઇટહૂડની ઉપાધિ એનાયત થાય. જોન્સનના ઓનર્સ લિસ્ટમાંથી તેમના પિતાના નામની બાદબાકી કરી નાખવામાં આવી હતી. જોન્સને સુનાકને જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાનોના પરિવારજનોને સન્માનિત કરવાની પરંપરા છે. થેરેસા મેના પતિ ફિલિપને નાઇટહૂડથી સન્માનિત કરાયા હતા. જ્હોન મેજરના પત્ની નોર્માને પણ ડેમહૂડથી સન્માનિત કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter