લંડનઃ જાણીતા ઓનલાઇન માર્કેટ પ્લેસ પરથી ગ્રાહકો અજાણતા જ બનાવટી કોસ્મેટિક ઉત્પાદનોની ખરીદી કરી રહ્યાં છે. એક રિસર્ચ અનુસાર માર્કેટ પ્લેસ પર વેચાતી બહુમતી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવટી હોય છે. કન્ઝ્યુમર રાઇટ્સ કંપની વિચના જણાવ્યા અનુસાર એમેઝોન, ઇ-બે, ટિકટોક શોપ અને વિન્ટેડ જેવા ઓનલાઇન માર્કેટ પ્લેસ પર વેચાતા 67 ટકા ઉત્પાદનો જાણીતી બ્રાન્ડોની નકલ હોવાની સંભાવના હોય છે. રિસર્ચર્સ દ્વારા જાણીતી કોસ્મેટિક બ્રાન્ડની ચકાસણી કરાઇ હતી જેમાંથી 34 ઉત્પાદનોમાં 23 બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ઇન્કવાયરીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના બનાવટી કોસ્મેટિક્સના ઉપયોગથી આરોગ્ય સામે જોખમ સર્જાય છે. તેમાં કેન્સરકારક ઝેરી રસાયણોનો ઉપયોગ થતો હોય છે.