ઓનલાઈન શોપિંગ હાઈ સ્ટ્રીટનાં ૨૩,૩૯૫ સ્ટોર્સ બંધ કરાવશે

Wednesday 23rd January 2019 01:57 EST
 
 

લંડનઃ યુકેમાં રીટેઈલ પ્રોપર્ટીની સતત ઘટતી જતી કિંમતો તેમજ ઈન્ટનેટ વેચાણમાં વૃદ્ધિના કારણે કટોકટીગ્રસ્ત હાઈ સ્ટ્રીટને વધુ માર પડશે. ગયા વર્ષે આશરે ૨૦,૦૦૦ સ્ટોર્સ બંધ કરાયા હતા અને રીટેઈલ માર્કેટમાં ૧૫૦,૦૦૦ નોકરીઓ ગુમાવાઈ હતી. આ વર્ષે ૨૩,૩૯૫ સ્ટોર્સ બંધ કરાશે અને ૧૭૫,૦૦૦થી વધુ રીટેઈલ નોકરીઓ ગુમાવવી પડશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે.

ગ્રાહકો રીટેઈલ શોપિંગના બદલે ઓનલાઈન શોપિંગને વધુ પસંદ કરી રહ્યા છે. ઓનલાઈન સ્પર્ધકોના કારણે બ્રિટિશ હાઈ સ્ટ્રીટની ચમક ઝાંખી પડી રહી છે. ગયા વર્ષે Toys R Us, પાઉન્ડવર્લ્ડ અને મેપલીન સહિત સંખ્યાબંધ રીટેઈલર્સનો ધંધો ચોપાટ થઈ જવાથી ૨૦,૦૦૦ સ્ટોર્સ બંધ થવા સાથે ૧૫૦,૦૦૦ નોકરીઓ ગુમાવાઈ હતી. સ્પોર્ટ્સ ડાઈરેક્ટના માલિક માઈક એશ્લેની નજર એન્ટરટેઈનમેન્ટ રીટેઈલર HMVને ખરીદવા પર છે. ૧૫ મિલિયન પાઉન્ડના બિઝનેસ રેટ્સ બિલ્સ સહિતના પડકારોનો સામનો કરી રહેલી HMV ક્રિસમસ પછી તરત એડમિનિસ્ટ્રેશનમાં આવી હતી અને તેની ૨,૨૦૦ નોકરી ભયમાં આવી પડી છે. આ કંપની ખરીદવા ઘણાં ખરીદારો કતારમાં ઉભા છે. માઈક એશ્લેએ ગયા વર્ષે નજીવી કિંમતે હાઉસ ઓફ ફ્રેઝર અને ઈવાન્સ સાયકલ્સને ખરીદી લીધી હતી.

યુકેની સૌથી મોટી હાઈ સ્ટ્રીટ કંપનીઓના માલિકોએ પરંપરાગત રીટેઈલર્સ તેમજ એમેઝોન જેવી ઓનલાઈન કંપનીઓ વચ્ચે યોગ્ય સ્પર્ધા થઈ શકે તેવું ટેક્સ માળખું સર્જવા મિનિસ્ટર્સને હાકલ કરી છે. યુકે રિયલ એસ્ટેટ નિષ્ણાતોના સર્વે અનુસાર એમેઝોન અને અન્ય ઓનલાઈન કંપનીઓએ રીટેઈલ માર્કેટને તોડી નાખ્યું છે. માર્ક્સ એન્ડ સ્પેન્સર, ડીબેનહામ અને હાઉસ ઓફ ફ્રેઝર જેવી જાયન્ટ રીટેઈલ કંપનીઓ પોતાના બિઝનેસને બચાવવા અને કિંમતોમાં કાપ મૂકવા સ્ટોર્સ બંધ કરવાની તૈયારી કરી રહેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter