ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ બદલવા પ્રસ્તાવઃ પત્રકારોને ૧૪ વર્ષ સુધીની સજા થઈ શકે

Tuesday 27th July 2021 15:29 EDT
 

લંડનઃ સરકારને શરમજનક પરિસ્થિતિમાં મૂકે તેવા રિપોર્ટ્સ જાહેર કરવા બદલ પત્રકારોને ૧૪ વર્ષ સુધી જેલમાં સબડવું પડી શકે છે કારણકે સરકારે ૧૯૮૯ના ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટમાં ફેરફારો કરવાના પ્રસ્તાવ મૂક્યા છે જે પત્રકારોને વિદેશી જાસૂસોની સમકક્ષ ગણાવી શકે છે. ખળભળાટ મચાવનારા પેગાસસ રિપોર્ટના પગલે સૂચિત કાયદા અનુસાર લીક દસ્તાવેજો પર આધારિત સ્ટોરી-રિપોર્ટ કરનારા પત્રકારોને ૨થી ૧૪ વર્ષ સુધીની સજા થઈ શકે છે. હોમ ઓફિસ દ્વારા આ પ્રસ્તાવો પરનું કન્સલ્ટેશન હવે સમાપ્ત થઈ રહ્યું છે.

ઈન્ટરનેટ અને વિશેષતઃ ઝડપી ડેટા ટ્રાન્સફરના વર્તમાન યુગને સુસંગત રહેવા સરકાર ૧૯૮૯ના ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટમાં ફેરફારો કરવા માગે છે. સરકારનું કહેવું છે કે ૧૯૮૯નો કાયદો બનાવાયો ત્યારે કોમ્યુનિકેશનનાં સાધનો સીમિત હતાં પરંતુ, વર્તમાનમાં કોઇપણ ડેટા સુરક્ષિત નથી અને આંખની પલકારામાં જ કોઇપણ દેશની સુરક્ષા અને સંપ્રભુતાને પડકાર આપી શકાય છે તે સંજોગોમાં ફેરફારો આવશ્યક છે.

જોકે, માનવ અધકાર સંસ્થાઓ અને દરખાસ્તો ઘડનારા લો કમિશને લીક દસ્તાવેજો મેળવનારા પત્રકારોનું દમન અટકાવવા જાહેર હિતના રક્ષણની માગણી કરી હતી પરંતુ, સરકારે તે ભલામણ સ્વીકારી નથી. પત્રકારોને બચાવનો મોકો આપવા મુદ્દે હોમ ઓફિસે કહ્યું હતું કે આ પ્રકારના પગલાંથી અમારા પ્રયાસોનું પરિણામ નહિ મળે અને તે જાહેર હિતમાં નહિ હોય. નવા કાયદાની ટીકા કરનારાઓમાં સેન્સરશિપ અને ઓપન રાઇટ્સ જૂથોએ સૂચિત કાયદાને વ્હીસલબ્લોઅર્સ પર હુમલા સમાન ગણાવ્યો છે. નેશનલ યુનિયન ઓફ જર્નલિસ્ટ્સ (NUJ)ના પ્રવક્તાએ કહ્યું છે કે વર્તમાન કાયદો દસ્તાવેજો કે માહિતીને બહાર પાડનારા અથવા વ્હિસલબ્લોઅર્સ, લીક થયેલી જાણકારી મેળવનારા તેમજ વિદેશી જાસૂસો વચ્ચેની બેદરેખાઓ અને સજાને અલગ કરે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના તેમની સહકર્મી સાથેના સંબંધો જાહેર કરતા સીસીટીવી ફૂટેજ લીક થયા હતા. આના પરિણામે હેનકોકે પદત્યાગ કરવો પડ્યો હતો અને પારિવારિક સંબંધોને પણ અસર થવા ઉપરાંત, સરકાર પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ હતી. જો નવો કાયદો અસ્તિત્વમાં હોત તો હેનકોક દ્વારા સહકર્મીને ચુંબનથી કોવિડ નિયમોનો ભંગ કરાયાની સ્ટોરી જાહેર કરનારા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી થઈ હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter