લંડન
બ્રિટને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી મોડેર્ના કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ સાથે ઓમિક્રોન સ્પેસિફિક કોરોના વેક્સિનને મંજૂરી આપનારો બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. કાતિલ શિયાળાનો પ્રારંભ થાય તે પહેલા થોડા જ સપ્તાહમાં દેશમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ કરાશે. મોડેર્ના દ્વારા તૈયાર કરાયેલી આ રસી અગાઉ કોરોનાના અસલ વુહાન સ્ટ્રેઇનના આધારે તૈયાર કરાયેલી વેક્સિનોથી તદ્દન અલગ છે. અગાઉ તૈયાર કરાયેલી વેક્સિન કોરોનાના નવા વેરિઅન્ટો સામે બિનઅસરકારક પૂરવાર થઇ રહી છે.
ટ્રાયલ રિઝલ્ટ બતાવે છે કે મોડેર્નાની આ વેક્સિન ઓમિક્રોન વેરિઅન્ટની સામે આઠ ગણા એન્ટીબોડી તૈયાર કરે છે. તાજેતરમાં જાહેર કરાયેલા ઓટોમન બૂસ્ટર કેમ્પેન અંતર્ગત આ વેક્સિન આપવાનો પ્રારંભ કરાશે. આગામી મહિનાથી 50થી વધુ વયના લોકો અને કોમોર્બિડિટી ધરાવતા યુવા લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરાશે. મોડેર્નાની આ વેક્સિન ઓમિક્રોનના BA.4 અને BA.5 વેરિઅન્ટ સામે પણ કારગર પૂરવાર થશે.
એમએચઆરએના સીઇઓ ડો. જૂન રેઇને જણાવ્યું હતું કે, નવી વેક્સિન કોરોના સામેની લડાઇમાં નવું શસ્ત્ર પૂરવાર થશે. બ્રિટનમાં ફર્સ્ટ જનરેશનની કોરોના રસીઓ લોકોને મહામારી સામે રક્ષણ આપીને જીવનો બચાવી રહી છે. હવે આ વેક્સિન લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બનશે.
બોક્સ
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓમિક્રોન સ્પેસિફિક વેક્સિન બનાવશે – પૂનાવાલા
સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાએ જણાવ્યું છે કે અમે નોવાવેક્સ સાથે મળીને ઓમિક્રોન સ્પેસિફિક કોરોના વેક્સિન તૈયાર કરી રહ્યાં છીએ. આ વેક્સિન ઓમિક્રોનના BA-5 સબ વેરિઅન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ આપશે. આગામી 6 મહિનામાં આ રસી તૈયાર થઇ જવાની સંભાવના છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, બૂસ્ટર ડોઝ તરીકે આ વેક્સિન ઘણી મહત્વની બની રહેશે. ભારત આ વેક્સિનને દ્વારા કોરોના સામે રક્ષણ મેળવે તે મહત્વનું છે. ઓમિક્રોન વેરિઅન્ટ એક ગંભીર પ્રકારનો ફ્લૂ પૂરવાર થઇ રહ્યો છે.


