ઓમિક્રોન વેરિએન્ટ ભારે ચેપી હોવાં છતાં ડેલ્ટાની સરખામણીએ હળવો

Thursday 30th December 2021 04:21 EST
 

લંડનઃ કોરોના વાઈરસનો ઓમિક્રોન વેરિએન્ટ ભારે ચેપી હોવાં છતાં ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ હળવો છે અને હોસ્પિટલમાં રાતોરાત સારવાર લેવાં જવું પડે તેનું જોખમ ૪૦ ટકા ઓછું હોવાનું યુકેના અભ્યાસોમાં જણાયું છે. નવા વેરિએન્ટના ટેસ્ટ પોઝિટીવ આવેલા લોકોમાં ૨૫ ટકા સુધીએ તો હોસ્પિટલમાં જવાની જરૂર પડતી જ નથી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આમ છતાં, તેનો સંક્રમણદર ઊંચો રહેવાથી NHS પર કાર્યબોજ અવશ્ય વધી શકે છે.

ઈમ્પિરિયલ કોલેજની ઓઉટબ્રેક મોડિંગ ટીમે ઈંગ્લેન્ડમાં ૧-૧૪ ડિસેમ્બરના ગાળામાં તમામPCR ટેસ્ટ પોઝિટિવ કોવિડ કેસીસના હોસ્પિટલાઈઝેશન અને વેક્સિન રેકોર્ડ્સનું એનાલિસીસ કર્યું હતું. આ ડેટાસેટમાં ઓમિક્રોનના ૫૬,૦૦૦ કેસ અને ડેલ્ટા વેરિએન્ટના ૨૬૯,૦૦૦ કેસનો સમાવેશ થયો હતો. અભ્યાસના તારણોમાં જણાયું હતું કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન વેરિએન્ટ કેસના સંદર્ભે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ૨૦થી ૨૫ ટકા ઓછું રહે છે જ્યારે ઓછામાં ઓછું એક રાતના હોસ્પિટલાઈઝેશનનું જોખમ ૪૦થી ૪૫ ટકા ઓછું રહે છે. જે લોકો અગાઉ કોરોનાથી સંક્રમિત થયા ન હોય અથવા વેક્સિન લીધું ન હોય તેવા લોકોમાં આ જોખમનું પ્રમાણ આશરે ૧૧ ટકા જેટલું હતું.

ઈમ્પિરિયલ કોલેજના અભ્યાસમાં જણાયું હતું કે કોવિડના અગાઉના ઈન્ફેક્શનના કારણે ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ લગભગ અડધું થઈ જાય છે. ઈન્ટેન્સિવ કેરમાં દાખલ થવા અને મોતના જોખમનું મૂલ્યાંકન કરવું કવેળાનું છે પરંતુ, સંશોધકોના જણાવ્યા મુજબ જોખમમાં ભારે ઘટાડો શક્ય છે.

સ્કોટલેન્ડના અન્ય અભ્યાસમાં ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોન કેસીસમાં હોસ્પિટલાઈઝેશનનું ઘણું ઓછું જોખમ જણાયું હતું. Eave II અભ્યાસમાં વિજ્ઞાનીઓએ ૨૩ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી હોસ્પિટલ ડેટાનો અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ ૭૦ ટકા જેટલું ઓછું રહે છે.

ઓમિક્રોન વિશે UKHSAરિપોર્ટ શું કહે છે?

ઓમિક્રોન વેરિએન્ટ સંદર્ભે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી રિપોર્ટના ચાવીરુપ તારણો કહે છે કે ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ૫૦થી ૭૦ ટકા ઓછી રહે છે. આ ઉપરાંત, નવા સ્ટ્રેઈનથી A&Eની મુલાકાત લેવી પડે તેવી શક્યતા પણ ૩૧થી ૪૫ ટકા ઓછી રહે છે. જોકે, ઓમિક્રોનથી ફરી સંક્રમણ લાગે તેનું જોખમ વધુ છે એટલે કે અગાઉ જેને વાઈરસનો ચેપ લાગ્યો હોય તેવા ૯.૫ ટકા લોકો ફરી સંક્રમિત થાય છે. હેલ્થ સિક્યુરિટી એજન્સીના રિપોર્ટ અનુસાર સિમ્પ્ટોમેટિક રોગ સામે ઈમ્યુનિટી જેબ-વેક્સિન લીધાના ૧૦ દિવસ પછી ૧૫થી ૨૦ ટકા સુધી ઘટી જાય છે. જોકે, નિષ્ણાતોની આગાહી એવી છે કે રોગની તીવ્રતા અને હોસ્પિટલાઈઝેશન સામેની ઈમ્યુનિટી બૂસ્ટર ડોઝથી વધી શકે છે. UKHSA દ્વારા ૨૦ ડિસેમ્બર સુધી ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોય તેવા ૧૩૨ પેશન્ટમાંથી ૧૭ દર્દીએ બૂસ્ટર વેક્સિન મેળવ્યું હતું જ્યારે ૭૪ વ્યક્તિએ બે ડોઝ લીધેલાં હતા અને ૨૭ લોકોએ એક પણ ડોઝ લીધો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter