ઓમિક્રોન વેરિએન્ટના ભયે પબ્સમાં ક્રિસમસના બુકિંગ્સ રાતોરાત રદ

Wednesday 15th December 2021 05:45 EST
 
 

લંડનઃ ઓમિક્રોન વેરિએન્ટના ભયે હોસ્પિટાલિટી સેક્ટરને બાનમાં લઈ લીધી છે. યુકેની મોટા ભાગની પબ્સમાં ક્રિસમસના બુકિંગ્સ રાતોરાત રદ કરી દેવાયા છે. પબ્સના માલિકોનું કહેવું છે કે સત્તાવાર ચેતવણીઓ અને વર્ક ફ્રોમ હોમ (WFH) ગાઈડન્સના કારણે ઘણા લોકોએ તેમના બુકિંગ્સ કેન્સલ કર્યા છે. હોસ્પિટાલિટી સેક્ટરના બોસીસના જણાવ્યા અનુસાર માંડ માંડ શરૂ થયેલા સેક્ટરને ભારે નુકસાન સહન કરવું પડશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકોને ઘેર રહીને કામ કરવાની સલાહ આપવાની સાથોસાથ ક્રિસમસ પાર્ટીઓ યોજવાને પણ સમર્થન આપ્યું છે તેની ટીકા થઈ રહી છે.

હોસ્પિટાલિટી સેક્ટરના બોસીસે જણાવ્યું છે કે સરકારના મિનિસ્ટર્સ દ્વારા મિશ્ર સંદેશાઓ અને ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણના વધતા ભયથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ઉત્સવનો ઉત્સાહ મંદ પડી ગયો છે. સરકારના વર્ક ફ્રોમ હોમના ગાઈડન્સથી ઘણા શરાબશોખીનોને ઉત્સવનો મેળાવડો માણવાથી દૂર રાખ્યા છે. લંડનના એક હોટેલમાલિકે મેઈલઓનલાઈનને જણાવ્યું હતું કે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં ક્રિસમસના સમયગાળા પર વધુ આધાર રખાતો હોય ત્યારે રદ કરાયેલા કાર્યક્રમો, ડિનર્સ અને રુમ્સના કારણે તેને ૧૦૦,૦૦૦ પાઉન્ડનું નુકસાન જવાની શક્યતા છે. ટાઉન સેન્ટર્સમાં લોકોની અવરજવર બંધ રહેવાથી પણ પબ્સને નુકસાન જશે.

કેમ્પેઈન ફોર પબ્સના ડાયરેક્ટર ગેરી મર્ફીના જણાવ્યા મુજબ સમગ્ર દેશ માટે ગંભીર સમસ્યા છે. સરકારે સામાજિક મેલજોલ ઘટાડવા સલાહ આપી છે તેથી ઘણી કંપનીઓએ પાર્ટીઝ રદ કરી છે અને વ્યક્તિઓ પણ બહાર જવા માટે મૂંઝવણ અનુભવી રહ્યા છે. બોરિસ જ્હોન્સન ટેલિવિઝન પર નવાં નિયંત્રણો જાહેર કરે છે ત્યારે લોકોમાં વધુ ચિંતા ફેલાય છે.

ગવર્મેન્ટ હાઈ સ્ટ્રીટ્સ ટાસ્ક ફોર્સના નિષ્ણાત અને ShopLocalOnline.org ના સ્થાપક ડો. જેકી મુલિગને સરકારને હોસ્પિટાલિટી સેક્ટરની વહારે આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે વર્ક ફ્રોમ હોમના ગાઈડન્સથી હાઈ સ્ટ્રીટમાં લોકોની મુલાકાતોમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter