લંડનઃ યુકે સરકાર કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટને પાછો પાડવા દૈનિક ૫૦૦,૦૦૦ વેક્સિન ડોઝ આપવાની તૈયારી કરી રહ્યા છે. આનાથી સપ્તાહમાં ૩.૫ મિલિયન વેક્સિન ડોઝ અપાશે. બીજી તરફ, બૂસ્ટર ડોઝ આપવાનો સમયગાળો છ મહિનાથી ઘટાડી ત્રણ મહિનાનો કરી દેવાયો છે. કોમ્યુનિટીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં સોમવારે ઓમિક્રોનના પોઝિટિવ કેસ વધીને ૧૧ થયા છે અને આગામી સપ્તાહમાં ૧૦૦થી વધુ કેસ જોવા મળે તેમ મનાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ વયસ્કોને બૂસ્ટર ડોઝ ઓફર કરાશે. અત્યાર સુધી ૪૦ વર્ષથી વધુ વયનાને સેકન્ડ ડોઝના છ મહિના પછી બૂસ્ટર ડોઝ અપાય છે. હવે આ વેઈટિંગ પીરિયડ ઘટાડીને ત્રણ મહિનાનો કરાયો છે. હાલ સપ્તાહમાં ૨.૪ મિલિયન બૂસ્ટર ડોઝ અપાય છે તેને વધારીને ૩.૫ મિલિયન અથવા દૈનિક ૫૦૦,૦૦૦ ડોઝ અપાશે. ૪૦ વર્ષથી નીચેની વયના વયસ્કોને તબક્કાવાર વેક્સિન અપાશે. આ ઉપરાંત, સૌ પ્રથમ વખત, ૧૨થી ૧૫ વયજૂથના બાળકોને બીજો વેક્સિન ડોઝ પણ આપી દેવાશે. આનાથી ૧૨ વર્ષથી ઓછી વયના બાળકો કોઈ કોરોના વેક્સિન લીધા વિનાના રહેશે. હેલ્થકેર રેગ્યુલેટરી એજન્સી ૫-૧૧ વયજૂથના બાળકો માટે વેક્સિનની સલામતી અંગે ક્રિસમસ પહેલા રિપોર્ટ જાહેર કરે તેમ મનાય છે.
ઓમિક્રોનના સંક્રમણને ધીમું પાડવા મંગળવારથી એરપોર્ટ્સ અને સ્ટેશન્સ સહિત જાહેર પરિવહન સ્થળો અને વાહનો તેમજ હેર સલૂન્સ, ટેક્સી, વેટ્સ, બેન્ક્સ, પોસ્ટ ઓફિસીસ અને ટેઈકઅવે સહિતની દુકાનોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, પબ્સ અને રેસ્ટોરાંને બાકાત રખાયા છે. યુકે આવતા તમામ પ્રવાસીએ આગમન પછીના બીજા દિવસે PCR ટેસ્ટ કરાવવાનો રહેશે અને નેગેટિવ રિઝલ્ટ ન આવે ત્યાં સુધી આઈસોલેટ થવું પડશે. દર ત્રણ સપ્તાહે આ પગલાંની સમીક્ષા કરાશે.

