ઓમિક્રોન સામે વધુ એક બૂસ્ટરની જરૂર પડશે

Thursday 30th December 2021 04:23 EST
 

લંડનઃ ઓમિક્રોન વેરિએન્ટનું જોર વધી રહ્યું છે ત્યારે બ્રિટન લાખો નાગરિકોને કોવિડ વેક્સિનના ચોથા એટલે કે બીજા બૂસ્ટર ડોઝ વહેલા આપવાની વિચારણા કરી રહેલ છે. ત્રીજા વેક્સિન ડોઝની અસર માત્ર ૧૦ સપ્તાહ કે ત્રણ મહિના પછી ઓછી થવા લાગતી હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI) દ્વારા વેક્સિનનો ચોથો ડોઝ આપવો કે નહિ તેની વિચારણા શરૂ કરી દેવાઈ છે. આરોગ્ય નિષ્ણાતોની લીલી ઝંડી મળશે તો ત્રીજા ડોઝના ચાર મહિના પછી ચોથો (બીજા બૂસ્ટર) ડોઝ આપવામાં આવશે. ઓમિક્રોન સંક્રમણનો સામનો કરવા ઈઝરાયેલ અને જર્મની દ્વારા બીજા બૂસ્ટર આપવાની જાહેરાત કરી દેવાઈ છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના નવા ડેટા મુજબ ફાઈઝરના બૂસ્ટર ડોઝની અસરકારકતા ૧૦ સપ્તાહ પછી ઘટીને ૩૫ ટકા જેટલી રહી જાય છે. આથી ચોથા વેક્સિન ડોઝ એથવા તો બૂસ્ટરના બીજા રાઉન્ડની જરૂરિયાત ઉભી થઈ છે. UKHSAના ડેટા મુજબ ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન વેરિએન્ટ સામે બૂસ્ટર્સથી મળતી ઈમ્યુનિટી ભારે ઝડપથી ઘટે છે. જે લોકોએ એસ્ટ્રેઝેનેકાના બે ડોઝ લીધા પછી ફાઈઝર અથવા મોડર્નાનો બૂસ્ટર ડોઝ લીધો હોય તેમને ઓમિક્રોન સામે બેથી દસ સપ્તાહ સુધી ૬૦ ટકા રક્ષણ મળે છે પરંતુ, ૧૦ સપ્તાહ પછી આ રક્ષણ કે ઈમ્યુનિટી ફાઈઝર અને મોડર્ના બૂસ્ટર ડોઝ માટે અનુક્રમે ૩૫ અને ૪૫ ટકા જેટલી રહી જાય છે.

UKHSAના સરકારી રિપોર્ટમાં જણાવાયું છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનના સંક્રમણમાં હોસ્પિટલાઈઝેશનનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી જાય છે. જોકે, SAGE દ્વારા ચેતવણી અપાઈ છે કે NHS પર વધુ ભારણ ન આવી જાય તે માટે આવું જોખમ ૯૦ ટકા સુધી હળવું હોવું જોઈએ. UKHSAએ પણ જણાવ્યું છે કે તેના તારણો પ્રોત્સાહક હોવાં છતાં, નવા વેરિએન્ટના સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલોમાં દાખલ થવું પડે તે જોખમ તો રહે જ છે. નવેમ્બરની શરૂઆતથી યુકેમાં ઓમિક્રોનું સંક્રમણ લાગવાના ૨૮ દિવસમાં ૧૪ મોત થયાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter