ઓરિજિનલ બ્લુ અને સોનેરી બ્રિટિશ પાસપોર્ટ ફરી એક વખત જોવા મળશે

Tuesday 25th February 2020 09:31 EST
 
 

લંડનઃ બ્રિટન ઈયુમાંથી બહાર નીકળવા સાથે તેના પાસપોર્ટનો ૩૨ વર્ષ જૂનો રંગ પણ બદલાઈ રહ્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભૂરા રંગના બ્રિટિશ પાસપોર્ટને ખુલ્લો કર્યો છે જે માર્ચ મહિનાના અંતથી બ્રિટિશ નાગરિકોને મળતો થશે. ૨૦૨૦ની મધ્યથી તમામ નવા પાસપોર્ટ બ્લુ રંગના મળતા થશે. જોકે, તે અગાઉ, ઈયુના ભૂખરા રંગના બ્રિટિશ પાસપોર્ટનો સ્ટોક પ્રાથમિકતાના ધોરણે પૂરો કરી દેવાશે. નવા પાસપોર્ટમાં અતિ આધુનિક સુરક્ષા માપદંડોનું પાલન થશે કે જેથી નકલ કરીને દુરુપયોગ ન કરી શકે.

વડા પ્રધાન જ્હોન્સને ૩૧ જાન્યુઆરીના બ્રેક્ઝિટ દિવસે ન્યુકેસલ જતી ફ્લાઈટમાં નવો ભૂરો પાસપોર્ટ બધાને દર્શાવ્યો હતો, જેની તસવીર ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર કરાઈ છે. બ્રિટિશ પાસપોર્ટની જૂની ડિઝાઈન ૧૯૨૦માં જારી કરાઈ ત્યારથી તેનો રંગ ઘેરો ભૂરો હતો, જેની પાછળના ભાગે ઇંગ્લેન્ડ, ઉત્તર આયર્લેન્ડ અને વેલ્સના સત્તાવાર પ્રતીકો છપાયેલા હતા. પરંતુ, ૧૯૮૮થી મોટા ભાગના ઈયુ દેશોની જેમ તેનો રંગ ભૂખરો કરી દેવાયો હતો. ઈયુ સ્ટાઈલના ભૂખરા રંગના પાસપોર્ટની મુદત ૧૦ વર્ષની હોવાથી ઘણા લોકોને ૨૦૩૦ સુધી તેની સાથે ચલાવી લેવું પડશે. જોકે, જાન્યુઆરી ૧, ૨૦૨૧થી તમારે પ્રવાસ કરવાનો હશે તો કદાચ તમારે બ્રિટિશ પાસપોર્ટ રીન્યુ કરાવવાનો થશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ ઈયુ છોડવાથી આપણને આપણી રાષ્ટ્રીય ઓળખ પુનઃ સ્થાપિત કરવાની અને વિશ્વમાં નવો માર્ગ તૈયાર કરવાની અનોખી તક મળી છે. બ્રિટિશ પાસપોર્ટની બ્લુ અને સોનેરી ડિઝાઈન ફરી એક વખત આપણી રાષ્ટ્રીય ઓળખમાં વણાઈ જશે અને તેની સાથે મુસાફરી કરવા હું ઉત્સુક છું.’

બે વર્ષ અગાઉ તત્કાલીન ઈમિગ્રેશન મિનિસ્ટર બ્રેન્ડોન લૂઈએ ઈયુમાંથી બહાર નીકળવાના જનમત પછી લોકો અલગ જોવા માગે છે તેમ કહી ડાર્ક બ્લૂ પાસપોર્ટ તરફ પાછા ફરવાની જાહેરાત કરી હતી. બ્લુ પાસપોર્ટ લીવ કેમ્પેઈનનું પ્રતીક બની ગયો હતો. જોકે, બ્રેક્ઝિટ પછી બ્રિટિશ પ્રવાસ દસ્તાવેજોનો કોન્ટ્રાક્ટ ગેમાલ્ટો નામની ફ્રાન્કો-ડચ કંપનીને અપાયાથી રોષ પણ સર્જાયો છે. નવો બ્રિટિશ પાસપોર્ટ તૈયાર કરવા આ કંપનીને ૨૬૦ મિલિયન પાઉન્ડ (૨૪૩૧ કરોડ રૂપિયા)માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter