ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ સામેના અભિયાનમાં 300થી વધુની ધરપકડ

પાંચ દિવસના અભિયાનમાં 1 મિલિયન પાઉન્ડથી વધુની રોકડ અને 7 લાખ પાઉન્ડની ગેરકાયદેસર વસ્તુ જપ્ત કરાઇ

Tuesday 07th July 2026 10:54 EDT
 
 

લંડનઃ ગેરકાયદેસર વેપાર અને ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ વિરુદ્ધ પોલીસે દેશવ્યાપી પાંચ દિવસીય વિશેષ ઓપરેશન દરમિયાન સમગ્ર યુકેમાંથી 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેમાં સ્મોલ બોટ્સ દ્વારા ચેનલ પાર કરીને આવેલા 57 માઇગ્રન્ટ્સ પણ સામેલ છે. નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, 15 જૂનથી 20 જૂન દરમિયાન ચલાવવામાં આવેલા આ અભિયાનમાં 1 મિલિયન પાઉન્ડથી વધુની રોકડ રકમ અને અંદાજે 7,00,000 પાઉન્ડની બજાર કિંમત ધરાવતી ગેરકાયદેસર તમાકુ, વેપ્સ અને સિગારેટનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કાર, ડ્રગ્સ અને ઇ-બાઇક્સ પણ જપ્ત કરવામાં આવી છે. આ સ્થળોમાં બાર્બર શોપ્સ, વેપ શોપ્સ, કાર વોશ સેન્ટર્સ, ફૂડ પ્રોડક્શન યુનિટ્સ અને નેઇલ સલોનનો સમાવેશ થતો હતો.

ડિલિવરી કંપનીઓને 60,000 પાઉન્ડનો દંડ, કંપનીના વડાની હકાલપટ્ટી અને પાંચ વર્ષ જેલની જોગવાઇ

સરકાર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન અને રોજગાર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા કાયદા અનુસાર આગામી 1 ઓક્ટોબરથી ગિગ ઇકોનોમી અને ફ્લેક્સિબલ વર્કિંગ વ્યવસ્થાઓ સહિતના તમામ એમ્પ્લોયરો માટે તેમના કર્મચારીઓની રાઇટ ટુ વર્ક ચકાસણી કરવી ફરજિયાત બનશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને ગેરકાયદેસર કર્મચારી દીઠ 60,000 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. સરકાર ગુનાહિત કંપનીઓના વડાઓ પાસેથી તેમની ડિરેક્ટરશિપ  છીનવી શકે છે અને ગંભીર મામલાઓમાં દોષિતોને પાંચ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

2025માં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે 3.71 મિલિયન પાઉન્ડની પેનલ્ટી

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે 1 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે હોમ ઓફિસ દ્વારા સંસ્થાઓને 3.71 મિલિયન પાઉન્ડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે રેસ્ટોરન્ટ, નેઇલ બાર, કન્સ્ટ્રક્શન કંપની, બાર્બર શોપનો સમાવેશ થાય છે. સૌથી વધુ 1,35,000 પાઉન્ડની પેનલ્ટી વ્હાઇટચેપલ સ્થિત પાકિસ્તાની રેસ્ટોરન્ટ લાહોર વન અને નોર્થ લંડન સ્થિત બસાક બેકરીને ફટકારવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter