ઓર્ગેનિક ફૂડના વપરાશમાં વૃદ્ધિ

Friday 26th February 2021 05:35 EST
 
 

લંડનઃ યુકેમાં ગયા વર્ષે ઓર્ગેનિક ફૂડના વપરાશમાં ભારે વધારો નોંધાયો છે. કોરોના મહામારીના ગાળામાં લોકોએ વધુ અને ઉચ્ચ ક્વોલિટીના ખોરાક ખાવાનું પસંદ કરવાથી ૧૫ વર્ષમાં તેના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો છે. ફૂડ, ક્લોધિંગ, કોસ્મેટિક્સ અને અન્ય ઉત્પાદનો સહિત ઓર્ગેનિક માર્કેટ વધીને ૨.૭૯ બિલિયન પાઉન્ડે પહોંચ્યું છે જે ૨૦૧૯ની સરખામણીએ ૧૨.૬ ટકાની વૃદ્ધિ હોવાનું સોઈલ એસોસિયેશને તેના વાર્ષિક ઓર્ગેનિક માર્કેટ રિપોર્ટમાં જણાવ્યું છે.

ઓર્ગેનિક માર્કેટમાં ફૂડનો સૌથી વધુ હિસ્સો છે જેમાં, તાજા શાકભાજીના વેચાણમાં ૧૫ ટકાથી વધુ અને માછલી અને માંસના વેચાણમાં લગભગ ૧૭ ટકાનો વધારો જણાયો છે. ડબાબંધ અને પેકેજ્ડ ઓર્ગેનિક ચીજવસ્તુઓનો વપરાશ લગભગ ૨૦ ટકા જેટલો વધ્યો છે. લોકોએ તંગીના ભય વચ્ચે સ્ટોર્સની અભરાઈઓ પર રહેલા ફૂડની ખરીદી કરી હતી. આ ઉપરાંત, શરાબપાનની આદતમાં સુધારાથી ઓર્ગેનિક બિયર, વાઈન્સ અને સ્પિરીટ્સનું વેચાણ લગભગ ત્રીજા ભાગ જેટલું વધ્યું હતું.

વારંવારના લોકડાઉનના કારણે વેજિટેબલ બોક્સીસ સહિતની હોમ ડિલિવરીનું પ્રમાણ પણ વધ્યું હતું અને વેચાણમાં ત્રીજા ભાગથી વધુ વેચાણ લગભગ ૫૦૦ મિલિયન પાઉન્ડના મૂલ્યનું થયું હતું. મોટા ભાગના લોકોએ ઘરમાં જ ભોજન રાંધવાનું પસંદ કર્યું હતું.

ઓર્ગેનિક ફૂડની લોકપ્રિયતા છેક વર્ષ ૨૦૦૦થી વધવા લાગી હતી પરંતુ, ૨૦૦૮ની નાણાકીય કટોકટી અને મંદીમાં ૨૦૦૮-૨૦૧૧ના ગાળામાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. તેના વેચાણો છેક ૨૦૧૭માં ૨૦૦૮ની ટોચ પર પહોંચ્યા હતા. લોકો હવે પુરાણી રીતરસમો તરફ પાછાં ફરવા ઈચ્છતા નથી. તેઓ શું ખાય છે અને તે વસ્તુઓ ક્યાંથી આવે છે તેના તરફ જાગૃતિ વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter