લંડનઃ યુકેમાં વસતા પરિવારો માટે એક ચિંતાજનક ચેતવણી જારી કરવામાં આવી છે. 'વિચ?' (Which?) નામની ગ્રાહક સુરક્ષા સંસ્થાએ એક એવા 'સ્નીકી સ્કેમ'નો પર્દાફાશ કર્યો છે, જેમાં ગુનેગારો લોકોને તેમણે ઓર્ડર જ ન કર્યા હોય એવા પાર્સલ મોકલી રહ્યા છે. આ કોઈ ભેટ નથી, પરંતુ તમારી પર્સનલ ઇન્ફર્મેશન ચોરવાનું એક મોટું ષડયંત્ર હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જાગૃતિ ફેલાવતા 'Which?' એ જણાવ્યું હતું કે, અજાણ્યા ઓનલાઇન વિક્રેતાઓ ગ્રાહકોના ઘરે સસ્તી વસ્તુઓ મોકલે છે. આ પાછળનો મુખ્ય હેતુ ફેક રિવ્યુઝ મેળવવાનો છે.
નિષ્ણાતોના મતે, આ કૌભાંડ માત્ર ફેક રિવ્યુઝ સુધી મર્યાદિત નથી. જો તમને આવું કોઈ પાર્સલ મળે છે, તો તેનો અર્થ એ છે કે સ્કેમર્સ પાસે તમારું નામ અને સરનામું પહેલેથી જ છે. આ ડેટા સંભવતઃ કોઈ જૂના ડેટા લીક અથવા અન્ય સ્કેમ દ્વારા મેળવવામાં આવ્યો હોઈ શકે છે.
ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે ઓર્ડર વગર આવેલા કોઈપણ પાર્સલ અથવા તેમાં રહેલા QR કોડથી સાવધ રહે અને પોતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા માટે સતર્ક રહે.

