ઓલિવિયર એવોર્ડ્સ: 4 ફૂટની ઊંચાઈ ધરાવતી આરતી શાહને બેસ્ટ એક્ટરનો ખિતાબ

આ એવોર્ડ જીતનારા આરતી શાહ સૌથી ઓછી ઊંચાઇ ધરાવતા કલાકાર

Tuesday 21st April 2026 12:38 EDT
 
 

લંડન: ગયા અઠવાડિયે યોજાયેલા પ્રતિષ્ઠિત ઓલિવિયર એવોર્ડ્સમાં સૌથી યાદગાર ક્ષણ આરતી શાહના નામે રહી હતી. પેડિંગ્ટન ધ મ્યુઝિકલમાં શાનદાર અભિનય માટે તેમને અને તેમના સહ-કલાકાર જેમ્સ હમીદને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટર ઇન અ મ્યુઝિકલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, 4 ફૂટની ઊંચાઈ ધરાવતી આરતી શાહ કોસ્ચ્યુમની અંદર રહીને અભિનય કરે છે, જ્યારે જેમ્સ હમીદ તે પાત્રને અવાજ આપે છે.

એવોર્ડ સ્વીકારતી વખતે આરતીએ કહ્યું હતું કે, અલગ હોવું એ બિલકુલ સામાન્ય બાબત છે. 49 વર્ષીય આરતી શાહ માત્ર સ્ટેજ પર પદાર્પણ કરનાર પ્રથમ કલાકાર જ નથી પરંતુ મુખ્ય અભિનેતાનો એવોર્ડ જીતનાર પ્રથમ 'સ્મોલ પર્સન' (નાની ઊંચાઈ ધરાવતી વ્યક્તિ) પણ બન્યા છે.

તેમણે 30 વર્ષની વયે 'હેરી પોટર' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. કેન્યાથી આવેલા શરણાર્થી પિતાના સંતાન આરતીએ બાળપણમાં બ્રિટનમાં વંશીય ટિપ્પણીઓ અને ભેદભાવ પણ સહન કર્યા છે. સ્યુડોકોન્ડ્રોપ્લાસિયાને કારણે તેમની ઊંચાઈ મર્યાદિત રહી હતી. 14 વર્ષની વયે તેમણે પગ લંબાવવાની સર્જરી કરાવવાનું વિચાર્યું હતું, પરંતુ અંતે પોતાને સ્વીકારવાનો મક્કમ નિર્ણય લીધો.

આરતી કહે છે, મેં આખી જિંદગી લડત આપી છે. મીડિયામાં અમારા જેવા લોકોને ભાગ્યે જ ઓળખ મળે છે. હું ઈચ્છું છું કે મારો આ વિજય અન્યો માટે પણ રસ્તો સાફ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter