લંડનઃ બર્મિંગહામ નજીકના ઓલ્ડબરી શહેરમાં એક શીખ મહિલા પર હેવાનિયતથી સ્થાનિક સમુદાયને ઘેરો આઘાત પહોંચ્યો છે. વીસ વર્ષની મહિલા પર બે પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો તેમજ માર મારતાં આ હેવાનોએ જાતિ આધારિત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટના ગત મંગળવારે સવારે 8:30 વાગ્યે ટેમ રોડ પાસે બની હતી. આ ઘટનાને પોલીસે 'જાતિગત રીતે ગંભીર ગુનો' ગણાવતાં જણાવ્યું હતું કે, હાલમાં અમે હુમલાખોરોને શોધી રહ્યા છે. તેમજ સીસીટીવી અને ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ હુમલા અંગે પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ તેના પર જાતિગત ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તમારા દેશમાં પાછા જાઓ.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, શંકાસ્પદો બંને શ્વેત પુરુષો છે. એકનું માથું મુંડન કરેલું હતું અને તેણે ઘેરા રંગનો સ્વેટશર્ટ પહેર્યો હતો, જ્યારે બીજો ગ્રે ટી-શર્ટ પહેરેલો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક શીખ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમુદાયનો ગુસ્સો સંપૂર્ણપણે વાજબી હતો અને હવે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પોલીસે રવિવારે આ મામલામાં એક 30 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. હાલ તેને તપાસના ભાગરૂપે કસ્ટડીમાં રખાયો છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં અમને મહત્વની સફળતા પ્રાપ્ત થઇ છે. અમે સપોર્ટ માટે કોમ્યુનિટીનો આભાર માનીએ છીએ. અમે આ અપરાધમાં સંડોવાયેલાને શોધવા પર કામ કરી રહ્યાં છીએ તેથી અમે જનતાને ધારણાઓ બાંધી ન લેવા અપીલ કરીએ છીએ.
સમાજના લોકોએ આપેલી હિંમત અદ્વિતીયઃ પીડિતા
શીખ યૂથ યુકેના માધ્યમથી બળાત્કાર પીડિતાએ જણાવ્યું હતું કે, હું મારા કામ પર જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો જેની મારા પર ગંભીર અસર થઇ છે પરંતુ સમાજના લોકોએ આપેલી હિંમત અને સહારો અદ્વિતીય રહ્યાં છે. હું નથી ઇચ્છતી કે અન્ય કોઇને આવી પીડામાંથી પસાર થવું પડે.
આ જધન્ય અપરાધ દેશમાં વધતા વંશીય તણાવનું પરિણામઃ શીખ સાંસદો
બર્મિંગહામ એજબેસ્ટનના સાંસદ પ્રીત કૌર ગિલે આ હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, આ માત્ર એક અત્યંત હિંસક ગુનો નથી, પરંતુ રેસિસ્ટ હુમલો છે. હુમલાખોરોએ કથિત રીતે પીડિતાને કહ્યું હતું કે, તે અહીંની નથી. પરંતુ હકીકત એ છે કે, તે અહીંની છે. આપણા શીખ સમુદાય અને દરેક સમુદાયને સુરક્ષિત, આદરણીય અને મૂલ્યવાન અનુભવવાનો અધિકાર છે. જાતિવાદ અને સ્ત્રીવિરોધને બ્રિટનમાં કોઈ સ્થાન નથી. ઇલ્ફોર્ડ સાઉથના સાંસદ જસ અઠવાલે આ હુમલાને 'ઘૃણાસ્પદ, જાતિવાદી અને સ્ત્રીવિરોધી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો આપણા દેશમાં વધતા વંશીય તણાવનું પરિણામ છે. હવે એક મહિલાને જીવનભર આઘાત સહન કરવો પડશે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ. સ્થાનિક સાંસદ ગુરિન્દર સિંહ જોસાને આ અપરાધને ભયાનક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ પીડિતા સાથે અત્યંત સહાનુભૂતિપુર્વક મળીને કામ કરી રહી છે.
બળાત્કારની ઘટના સમગ્ર શીખ સમુદાય પરનો હુમલોઃ શીખ અગ્રણીઓ
શીખ ફેડરેશન યુકેએ જણાવ્યું હતું કે, આ જધન્ય અપરાધ અત્યંત દુષિત બનેલા રાજકારણનું પરિણામ છે. રાજનેતાઓએ ઇમિગ્રન્ટ્સ વિરોધી વલણ અપનાવીને રેસિસ્ટ રાજકીય વાતાવરણ પેદા કર્યું છે. શીખ આગેવાનોએ જણાવ્યું છે કે સગીરાઓ હવે શાળાએ જતાં પણ ભય અનુભવી રહી છે. આ હુમલો સમગ્ર શીખ સમુદાયના ગૌરવ પરનો હુમલો છે.