ઓલ્ડહામ કાઉન્સિલમાં અરૂજ શાહને ઉથલાવી દેવાનો પ્રયાસ નિષ્ફળ

વિરોધીઓ બાળકો જેવી હરકત બંધ કરી કામ પર ધ્યાન આપેઃ અરૂજ શાહ

Tuesday 27th May 2025 15:29 EDT
 
 

લંડનઃ ઓલ્ડહામ કાઉન્સિલમાં તખ્તાપલટનો બીજો પ્રયાસ નિષ્ફળ ગયો છે. કાઉન્સિલના લીડર લેબર પાર્ટીના અરૂજ શાહને ઉથલાવી દેવાના પ્રયાસને સ્વતંત્ર ગ્રુપે નિષ્ફળ બનાવ્યો હતો. અરૂજ શાહે જણાવ્યું હતું કે, કાઉન્સિલે બાળકો જેવી હરકતો અને ઓળખની રાજનીતિથી ઉપર ઉઠીને આગળ વધવું જોઇએ.

તખ્તાપલટનો પ્રયાસ કરનાર કામરાન ગફુરે જણાવ્યું હતું કે, અરૂજ શાહના નેતૃત્વ, પારદર્શકતા અને નિર્ણાયકતા અંગેની ચિંતાઓના કારણે તેમની સામે અવિશ્વાસનો ઠરાવ રજૂ કરાયો હતો. ગફુરે વિરોધી જૂથોને એક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નેતાપદ હાંસલ કરવાના તેમના પ્રયાસને 31 વિરુદ્ધ 58 મતથી નકારી કઢાયો હતો. અપક્ષ કાઉન્સિલરોએ અરૂજ શાહની ખુરશી બચાવવામાં મદદ કરી હતી.

અરૂજ શાહે જણાવ્યું હતું કે, અમે કેટલાંક મહત્વના કામ કરી રહ્યાં છીએ. અમને તેમાં અવરોધોની જરૂર નથી. કાઉન્સિલ સ્થાનિક રહેવાસીઓની સેવા કરવા માગે છે. મને આશા છે કે વિરોધીઓ બાળકો જેવી હરકતો બંધ કરશે. તેમણે સમજી લેવાની જરૂર છે કે કાઉન્સિલમાં ગંભીર લોકો પણ છે જેઓ ફક્ત તેમના કામ સાથે નિસ્બત રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter