લંડનઃ ઓલ્ધામ ઈવનિંગ ક્રોનિકલે સ્થાપનાના ૧૬૩ વર્ષ પછી પ્રકાશન બંધ કરી દીધું છે. તેના ૪૯ કર્મચારીમાંથી બહુમતીની છટણી કરવામાં આવી હતી. ક્રોનિકલે સૌપ્રથમ ૧૮૫૪માં પ્રકાશન શરુ કર્યું હતું. ક્રોનિકલના પ્રકાશક હર્સ્ટ, કિડ અને રેની માટે એડમિનિસ્ટ્રેટર તરીકે ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની KPMGની નિયુક્તિ કરવામાં આવી છે.
એડમિનિસ્ટ્રેટરના નિવેદનમાં જણાવાયું હતું કે ઓલ્ધામ ઈવનિંગ ક્રોનિકલ અને તેના સાથી પ્રકાશનો બંધ કરી દેવાયાં છે. ક્રોનિકલ ઉપરાંત, કંપની ચાર ફ્રી ટાઈટલ્સ- ઓલ્ધામ એકસ્ટ્રા, સેડલવર્થ એકસ્ટ્રા, ટેમસાઈડ એકસ્ટ્રા અને ડેલ ટાઈમ્સ તેમજ ત્રણ ત્રિમાસિક મેગેઝિનને પ્રસિદ્ધ કરતી હતી. વર્ષ ૨૦૦૦ના પ્રથમ છ મહિનામાં તેનું સર્ક્યુલેશન ૩૦,૦૦૦થી વધુ નકલનું હતું પરંતુ, આ પછી કંપનીના પ્રકાશનમાં સતત ઘટાડો થયો હતો અને રેકોર્ડ અનુસાર આ વર્ષના જૂનમાં ૬,૪૦૮ નકલનું વેચાણ હતું.


