ઓવરપેમેન્ટને પહોંચી વળવા માટે સરકાર ૫૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચશે

Wednesday 15th December 2021 06:34 EST
 

લંડનઃ વિક્રમજનક સ્તરે પહોંચી ગયેલા બેનિફિટ ફ્રોડનો સામનો કરવા માટે સરકાર નવા નાણાંકિય વર્ષથી ૫૧૦ મિલિયન પાઉન્ડ ખર્ચવાનું શરૂ કરશે. સત્તાવાર આંકડા પ્રમાણે ગયા વર્ષે મુખ્યત્વે યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટ અને ફ્રોડ પર ઓવરપેમેન્ટ થવાને લીધે વિક્રમજનક ૮.૪ બિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા.  
નવી કેશથી ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ અંદાજે ૨,૦૦૦ ફ્રોડ ઈન્વેસ્ટિગેટર્સની ભરતી કરી શકશે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી થેરેસે કોફીએ જણાવ્યું કે તેઓ ફ્રોડની તમામ રકમ વસૂલ કરવાનો પ્રયાસ કરશે.  
યુનિવર્સલ ક્રેડિટની રચનામાં ખામીઓને લીધે તાજેતરના વર્ષોમાં ફ્રોડવાળા પેમેન્ટનું પ્રમાણ વધી ગયું છે. તેની રચના કરનારે દાવો કર્યો હતો કે બેનિફિટને લીધે ફ્રોડ એન્ડ એરર બીલમાંથી એક બિલિયન પાઉન્ડનો કાપ મૂકાશે. ૨૦૧૬માં ફ્રોડનું પ્રમાણ ૨.૭ ટકા હતું તે ગયા વર્ષે વધીને ૧૨.૮ ટકા થયું હતું. તમામ બેનિફિટમાં ગયા વર્ષે ફ્રોડનું પ્રમાણ ૩ ટકા હતું.
મહામારીને લીધે યુનિવર્સલ ક્રેડિટ માટે અરજી કરનારાની સંખ્યા ૨૦૧૯માં ત્રણ મિલિયન હતી તે ગયા વર્ષે બમણી એટલે કે છ મિલિયન થઈ હતી
ક્લેઈમ્સની ઝડપી પતાવટ માટે કેટલાંક નિયમો હળવા બનાવાયા હતા. તેને લીધે ગુનેગારોની સુઆયોજિત ગેંગ્સે સિસ્ટમનો લાભ ઉઠાવ્યો હતો. કોફીએ જણાવ્યું કે મહામારી ખૂબ વધી ગઈ હતી ત્યારે લોકોને જરૂરી સપોર્ટ મળી રહે તે અમે સુનિશ્ચિત કરવા માગતા હતા. કેટલાંક લોકોએ તેનો લાભ ઉઠાવ્યો હતો અને હવે અમે તેમની પાછળ છીએ. તેમાં હવે ઝડપ આવશે. પરંતુ, મુખ્ય ધ્યાન ફ્રોડવાળા ક્લેઈમને અટકાવવા પર અપાશે.
ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સ (DWP) એ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેની સાઈબર ટીમો  ગુનેગારોને બેનિફ્ટ્સમાં ૧.૯ બિલિયન પાઉન્ડનો ક્લેઈમ કરતા અટકાવવામાં સફળ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter