લંડનઃ બ્રિટિશ એકેડેમીએ ઓસ્કારની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં યુકેનું પ્રતિનિધિત્વ કરવા માટે સંધ્યા સૂરીની ક્રાઇમ થ્રિલર સંતોષની પસંદગી કરી છે. હિન્દી ભાષામાં તૈયાર કરાયેલી આ ફિલ્મ 2024ના પ્રારંભે કેન્સમાં પણ રજૂ કરાઇ હતી.
બ્રિટિશ ભારતીય ફિલ્મ મેકર સંધ્યા સૂરી આઇ ફોર ઇન્ડિયા અને અરાઉન્ડ ઇન્ડિયા વિથ મૂવી કેમેરા જેવી દસ્તાવેજી ફિલ્મો માટે જાણીતા છે. સંતોષ ફિલ્મનું મુખ્ય પાત્ર એવી સંતોષ ઉત્તર ભારતની ગ્રામીણ મહિલા છે જે પતિના નિધન બાદ પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી પ્રાપ્ત કરે છે. એક પછાત વર્ગની કન્યાની હત્યાની તપાસ તેને સોંપવામાં આવે છે.
આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સંધ્યા સૂરીએ કર્યું છે અને મુખ્ય પાત્ર શહાના ગોસ્વામીએ ભજવ્યું છે. તેમને સાથ આપ્યો છે સુનિતા રાજવરે. ફિલ્મનું નિર્માણ જેમ્સ બાઉશર, બાલ્થાઝાર દ ગેનેય અને માઇક ગૂડરિચ દ્વારા કરાયું છે.


