ઓસ્કારવિજેતા એક્ટર સર બેન કિંગ્સ્લે ‘ગાંધી’નું વૈભવી જીવન

ઈન્ટિરયર ડિઝાઈનર્સ સામે કાનૂની દાવોઃ લંડનનો વૈભવી ફ્લેટ બિલ્ડિંગ સાઈટ બનાવી દેવાયોના આક્ષેપ સાથે વળતર માગ્યું

Tuesday 30th August 2022 14:34 EDT
 
 

લંડનઃ અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવનારા ભારતીય નેતા મહાત્મા ગાંધીને પરદા પર જીવંત કરનારા ઓસ્કાર એવોર્ડવિજેતા અભિનેતા સર બેન કિંગ્સ્લે વાસ્તવમાં વૈભવી જીવન જીવે છે. 78 વર્ષીય કિંગ્સ્લે અને તેમની 47 વર્ષીય અભિનેત્રી પત્ની ડેનિએલાએ તેમના લંડનના વૈભવી ફ્લેટને બિલ્ડિંગ સાઈટ બનાવી દીધાના આક્ષેપ સાથે ઈન્ટિરયર ડિઝાઈનર્સ સામે સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં કાનૂની દાવો માંડ્યો છે.

કિંગ્સ્લે દંપતી સાઉથ કેન્સિંગ્ટનમાં રોયલ આલ્બર્ટ હોલની નજીક વૈભવી ફ્લેટ ધરાવે છે જેના સંપૂર્ણ મેઈકઓવર માટે લૂમિએર ઈન્ટિરિયર્સના બે ઈન્ટિરયર ડિઝાઈનર્સ- લીઓનાર્ડો બીઆજિઓની અને લારા હેરિંગ્ટનને કામગીરી સોંપી હતી. 2007માં લગ્ન કરેલા કિંગ્સ્લે દંપતીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ઈન્ટિરયર ડિઝાઈનર્સે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા વિના જ કામગીરી છોડી દીધી હતી અને વૈભવી ફ્લેટ હવે રહેવાલાયક રહ્યો નથી અને બિલ્ડિંગ સાઈટ જેવો દેખાય છે. તેમની 59000 પાઉન્ડથી વધુ મૂલ્યની કેટલીક મહામૂલી આઈટમ્સ પણ ગુમ થયાનો દાવા સાથે વળતરની માગણી કરી હતી. જોકે, ડિઝાઈનર્સે પોતાની કોઈ જવાબદારી થતી હોવાનું નકારી કિંગ્સ્લેએ માગેલું વળતર ચૂકવવાનો પણ ઈનકાર કર્યો છે.

બીઆજિઓનીએ સલાહો આપવા સહિત પોતાના હિસ્સાનું કાર્ય પૂર્ણ કર્યાના દાવા સાથે કહ્યું છે કે લારા હેરિંગ્ટનની પ્રત્યક્ષ કામગીરી કિંગ્સ્લે દંપતી સાથે હતી. વિવાદિત આઈટમ્સ લારા હેરિંગ્ટન પાસે હોવાનું પણ તેણે કહ્યું છે. બીજી તરફ, લારા હેરિંગ્ટનનું કહેવું છે કે કિંગ્સ્લેના સહાયક દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરાયા પછી તેણે કામગીરી છોડી હતી અને લેણા નીકળતી રકમ પેટે કફ્રીજ અને ઓવન જેવી કેટલીક ઘરેલુ ચીજવસ્તુઓ પોતાની પાસે રાખી લીધી હતી. જોકે, ગુમ કિંમતી આઈટમ્સ પોતાની પાસે હોવાનું તેણે નકાર્યું છે.

અંગ્રેજ માતા અને ગુજરાતી પિતાના સંતાન કૃષ્ણા પંડિત ભાણજી (બેન કિંગ્સ્લેનું મૂળ નામ)નો જન્મ 1943ની 31 ડિસેમ્બરે થયો હતો અને તેમના મૂળ ગુજરાતના જામનગરમાં છે. તેમણે રંગભૂમિમાં કારકિર્દી શરૂ કરી હતી અને રોયલ શેક્સપિયર કંપની સાથે જોડાઈ ઘણા નાટકોમાં ભૂમિકાઓ ભજવી હતી. રિચાર્ડ એટેનબરોની ગાંધી ફિલ્મ (1982)માં તેમણે મહાત્મા ગાંધીની મુખ્ય ભૂમિકા ભજવી ભારે નામના હાંસલ કરી શ્રેષ્ઠ અભિનેતાના એકેડેમી (ઓસ્કાર) અને બાફ્ટા એવોર્ડ્સ હાંસલ કર્યા હતા. બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને યોગદાન બદલ તેમને 2002માં નાઈટ બેચલર તરીકે ક્વીન ઓનર્સથી વિભૂષિત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter