લંડન
બ્રિટનમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન નાગરિક સાયમન ચાર્લ્સ ડોરાન્ટેનો દાવો છે કે તે કિંગ ચાર્લ્સ ત્રીજા અને ક્વીન કોન્સોર્ટ કેમિલાનું લવ ચાઇલ્ડ છે. પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે પ્રિન્સ વિલિયમની નિયુક્ત તેના મો પર તમાચા સમાન છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં રહેતા એન્જિનિયર સાયમનો દાવો છે કે હું આઠ મહિનાનો હતો ત્યારે મને દત્તક લેનારની માતા એટલે કે દાદીએ મને મરણપથારી પર જણાવ્યું હતું કે, હું ચાર્લ્સ અને કેમિલાનું ગુપ્ત સંતાન છું.
સાયમન કહે છે કે હું વર્ષોથી ચાર્લ્સ અને કેમિલાના ડીએનએ ટેસ્ટની માગ કરી રહ્યો છું જેથી હું તેમનો વારસ છું તેવું પૂરવાર થઇ શકે. આ માટે મેં કાયદાકીય સલાહ પણ લીધી હતી અને ક્વીનને પત્ર લખ્યો હતો પરંતુ તેમના તરફથી મને કોઇ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો.
સાયમન કહે છે કે કિંગ ચાર્લ્સ દ્વારા પ્રિન્સ વિલિયમને રાજગાદીના વારસ જાહેર કરાયા તે સ્વીકારવું મારા માટે અઘરૂં છે. મને એમ લાગી રહ્યું છે કે કોઇએ મારા મોં પર તમાચો જડી દીધો છે. હું ફક્ત એટલું ઇચ્છું છું કે કિંગ ચાર્લ્સ મને જવાબ આપે અને મને તેમના પુત્ર તરીકે માન્યતા આપે. તેમણે વિલિયમને ટાઇટલ આપી દીધું પરંતુ મારા સવાલનું શું.. તેઓ મારી સાથે ડીએનએ ટેસ્ટ કેમ કરાવતા નથી. જો તેઓ મારા પિતા ન હોય તો તે પુરવાર કરે.
સાયમને જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ પેટરનિટી ટેસ્ટ કરાવે તે માટે હું અદાલતનો સહારો લઇશ. મેં જજ અને મારા બેરિસ્ટર સાથે આ અંગે ચર્ચા પણ કરી છે કે શું બ્રિટનના રાજા કાયદાથી પર છે? તેમણે મને જણાવ્યું છે કે બ્રિટનના રાજા કાયદાથી પર નથી. તેઓ શા માટે પેટરનિટી ટેસ્ટ કરાવી રહ્યાં નથી તેનું કારણ જણાતું નથી. તે ઉપરાંત કેમિલા અને તેમનો પરિવાર પણ કાયદાથી ઉપર નથી.

