ગ્લાસગોઃ સ્કોટલેન્ડમાં વસવાટ કર્યા પછી કડક ઈમિગ્રેશન માપદંડો અનુસાર નોકરી મેળવવામાં નિષ્ફળ ઓસ્ટ્રેલિયન બ્રાયન દંપતીને યુકે છોડવા હોમ ઓફિસે આદેશ કર્યો છે. બ્રાયન દંપતી સ્કોટલેન્ડમાં રહેવા માટે લડત આપી રહ્યું હતું. મૂળ બ્રિસ્બેનના ગ્રેગ અને કેથરિન બ્રાયન ૨૦૧૧માં પોસ્ટ સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયાથી સ્કોટલેન્ડ આવ્યાં હતાં. સ્કોટલેન્ડના સાંસદ ઈઆન બ્લેકફર્ડે બ્રાયન દંપતીને આ સમાચાર આપ્યા હતા, જેમનું આખરી એક્સટેન્શન પહેલી ઓગસ્ટે સમાપ્ત થયું હતું.
હવે હોમ ઓફિસના ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ બ્રાયન દંપતી અને તેમના સાત વર્ષના પુત્ર લાચલાનને તત્કાળ યુકે છોડવા કેટલો સમય અને મદદ જોઈશે તેની ચર્ચા તેમની સાથે કરશે. જોકે, ગ્રેગ બ્રાયને જણાવ્યું હતું કે પરિવારે છેલ્લી ઘડીએ નોકરી મેળવવાની અને વસવાટનો અધિકાર હાંસલ કરવાની આશા ગુમાવી નથી. તેમણે કહ્યું હતું કે વર્ક સ્ટડી વિઝા મેળવ્યાં પછી નિયમો બદલાયાં ત્યારે તેમના જેવા બિન-ઈયુ માઈગ્રન્ટ્સને યુકેમાં વર્ક વિઝા મળી જશે તેવી સંભાવના સાંસદે દર્શાવી હતી. ચાર ઈંગ્લિશ યુનિવર્સિટીઓમાં વર્ક વિઝા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી પાયલોટ સ્કીમ તાજેતરમાં દાખલ કરાઈ છે. જે એમ્પ્લોયર કેથરિન બ્રાયનને નોકરી ઓફર કરે તેણે હોમ ઓફિસ અને લીગલ ફી તરીકે ૩,૦૦૦ પાઉન્ડ સુધીની રકમ ચુકવવી પડશે, જે અન્ય યુકે કે ઈયુ નાગરિકે ચુકવવી પડતી નથી.
કેથરિન યુનિવર્સિટી ઓફ હાઈલેન્ડ્સ એન્ડ આઈલેન્ડ્સમાં અભ્યાસ કરવા પોસ્ટ વિઝા વર્ક સિસ્ટમ હેઠળ ૨૦૧૧માં સ્કોટલેન્ડ આવી હતી. તે નોકરી મેળવી પરિવાર સાથે યુકે રહેવા ઈચ્છતી હતી. જોકે, તેના આવ્યાના ત્રણ મહિના અગાઉ જ આ વિઝા સિસ્ટમ રદ કરવાની જાહેરાત થઈ હતી. બ્રાયન દંપતી ડિંગવોલમાં સ્થાયી થયાં પછી ૨૦૧૨માં વિઝા પધ્ધતિ પાછી ખેંચી લેવાઈ હતી.


