ઓસ્ટ્રેલિયાની ચલણી નોટો પરથી બ્રિટિશ રાજવીઓને અલવિદાનો પ્રારંભ

Wednesday 08th February 2023 06:10 EST
 
 

લંડન

ઓસ્ટ્રેલિયાએ તેની ચલણી નોટો પરથી બ્રિટિશ રાજાશાહીને અલવિદા કહેવાનો પ્રારંભ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાની સેન્ટર્લ બેન્કે જણાવ્યું છે કે નવી પાંચ ડોલરની ચલણી નોટ પર હવે કિંગ ચાર્લ્સ તૃતિયના સ્થાને સ્વદેશી ડિઝાઇનને સ્થાન અપાશે. જોકે હાલ ચલણી સિક્કાઓ પર કિંગ ચાર્લ્સની પ્રતિકૃતિને જારી રખાશે. ઓસ્ટ્રેલિયામાં પાંચ ડોલરની ચલણી નોટ પર જ બ્રિટિશ રાજવીને સ્થાન હતું.

બેન્કે જણાવ્યું હતું કે, સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. સરકારે પણ આ બદલાવને સમર્થન આપ્યું છે જોકે વિરોધપક્ષોનો આરોપ છે કે રાજકીય ઇરાદાથી આ નિર્ણય લેવાયો છે. આમ તો બ્રિટિશ રાજવી ઓસ્ટ્રેલિયાના વડા ગણાય છે પરંતુ વર્તમાન સમયમાં તેમની ભૂમિકા ફક્ત પ્રતિકાત્મક છે. ભૂતકાળની અન્ય બ્રિટિશ કોલોનીઓની જેમ ઓસ્ટ્રેલિયા પણ હવે બ્રિટન સાથેના બંધારણીય સંબંધો કઇ હદ સુધી જારી રાખવા તે પર વિચારણા કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે પાંચ ડોલરની નવી ચલણી નોટ પરથી ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તસવીર દૂર કરીને સ્વદેશી ડિઝાઇનને સ્થાન અપાશે. આ પગલું ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિ અને પહેલવહેલા ઓસ્ટ્રેલિયાના ઇતિહાસને સન્માનિત કરશે. નોટની બીજી બાજુ પર ઓસ્ટ્રેલિયાની સંસદની તસવીર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter