લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૬ માર્ચે બજેટ રજૂ કરશે ત્યારે તેમને ૨૦ બિલિયન પાઉન્ડની અણધારી મદદ મળી રહેવાની છે, જે તેમને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સહાય કરશે. સરકારના ઘટેલા ઋણખર્ચ અને અપેક્ષાથી નીચાં ફૂગાવાના કારણે આ લાભ મળ્યો છે. ૧૦ વર્ષના સરકારી ઋણ સર્વિસીંગની કોસ્ટ ૧.૨૩ ટકાના સૌથી નીચા દરે પહોંચી છે. આના પરિણામે વ્યાજદરમાં વધારાની આગાહી છેક ૨૦૧૯ સુધી લંબાઈ છે. પબ્લિક ફાઈનાન્સીસની આગાહી વેળાએ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા આ મુદ્દાનો ઉપયોગ કરાય છે.
ધ કેપિટલ ઈકોનોમિક્સ કન્સલ્ટન્સીની ગણતરી કહે છે કે ૧.૪ ટકાનો ઊંચો દર રહે તો પણ નવેમ્બરના ઓટમ સ્ટેટમેન્ટ પછી ૧૦ વર્ષના ગિલ્ટની ઉપજમાં ઘટાડો તેમજ ટુંકા ગાળાના ઋણ પર નીચાં ધીરાણદરથી ૨૦૨૧ સુધીના પાંચ વર્ષમાં સત્તાવાર ઋણ આગાહીમાં આશરે ૨૧ બિલિયન પાઉન્ડનો ઘટાડો જોવા મળશે.
ભૂતકાળમાં પણ વૈશ્વિક બજારોએ ચાન્સેલરને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. ગત નવેમ્બરમાં પણ તેમણે ઋણના વ્યાજ અને ફૂગાવાની આગાહીના ફેરફારોથી પ્રાપ્ત ૨૭ બિલિયન પાઉન્ડનો ઉપયોગ વેલ્ફેરના કાપ અને ખાતાકીય ખર્ચાઓ પર કરકસરની લગામ કસવામાં કર્યો હતો.


