કંગનાની ‘ઇમર્જન્સી’ ફિલ્મ સામે બ્રિટિશ શીખ સમુદાયનો ઉગ્ર વિરોધ

બર્મિંગહામ, વૂલ્વરહેમ્પટન અને વેસ્ટ લંડનમાં ફિલ્મનું સ્ક્રિનિંગ સ્થગિત, ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી નારાબાજી

Tuesday 21st January 2025 09:39 EST
 
 

લંડનઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઇમર્જન્સીનું સ્ક્રિનિંગ બ્રિટિશ શીખ સમુદાયના ઉગ્ર વિરોધના કારણે બર્મિંગહામ, વૂલ્વરહેમ્પટન અને વેસ્ટ લંડનમાં સ્થગિત કરી દેવાયું હતું. સપ્તાહાંતમાં સમગ્ર યુકેના ઇમર્જન્સીનું સ્ક્રિનિંગ કરી રહેલા સિનેમાહોલમાં વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. તેમણે ફિલ્મને ભારત સરકારના શીખ વિરોધી પ્રોપેગેન્ડા તરીકે ગણાવી હતી.

શીખ પ્રેસ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના પૂર્વ વડાં પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીને દર્શાવતી આ ફિલ્મ શીખ વિરોધી પ્રોપેગેન્ડા છે. ઇન્દિરા ગાંધીએ શીખોના નરસંહારનો પ્રારંભ કર્યો હતો. ભારત સરકાર દ્વારા શીખ પ્રોપેગેન્ડા મજબૂત બની રહ્યો છે તેવા સમયમાં જ આ ફિલ્મ રિલીઝ કરાઇ છે.

યુકેમાં આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટરે જણાવ્યું હતું કે, કોઇને આ ફિલ્મના સ્ક્રિનિંગને અટકાવવાનો અધિકાર નથી. જેને તમે જોઇ નથી તેને તમે કેવી રીતે અટકાવી શકો. આખરે તો આ એક ફિલ્મ જ છે.

કેટલાંક સિનેમાગૃહમાં ખાલિસ્તાન સમર્થકોએ ઉત્પાત મચાવ્યો હતો અને ફિલ્મ પ્રદર્શિત થતા અટકાવી હતી. ખાલિસ્તાન સમર્થકો દ્વારા ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. સામે પક્ષે થિયેટરમાં ભારત સમર્થક પ્રેક્ષકો દ્વારા હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter