લંડનઃ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા કંપનીને 1,84,000 પાઉન્ડનો ચૂનો લગાવનારી મહિલા કર્મચારીને બાસિલડન ક્રાઉન કોર્ટ દ્વારા પાંચ વર્ષ અને 10 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. નોર્થ લંડનના ફિન્ચલીમાં રહેતી 31 વર્ષીય અનિતા મિરમોહમદીએ એસેક્સના બ્રેન્ટવૂડ સ્થિત કંપનીમાં કામ કરતી વખતે કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ચૂનો લગાવવા બનાવટી ઇનવોઇસ રજૂ કર્યાં હતાં. આ નાણા દ્વારા તેણે હેરોડ્સ, સેલ્ફરિજ્સ અને મર્સિડિઝ બેન્ઝ ખાતેથી લક્ઝરી ખરીદીઓ કરી હતી તેમજ મેક્સિકો, તૂર્કી અને દુબઇમાં વેકેશન માણ્યા હતા. તે કંપનીમાં ફાઇનાન્સ ટીમની મેનેજર તરીકે કામ કરતી હતી અને તેને કંપનીનું ક્રેડિટ કાર્ડ વાપરવાના અધિકાર અપાયા હતા.