લંડનઃ હેરો કાઉન્સિલે ખુલ્લામાં કચરો ફેંકવા માટે પાંચ વર્ષની કિશોરીને 1000 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કિશોરીને કચરો ફેંકતા રંગે હાથ ઝડપી લેવાઇ હતી.
હેરો કાઉન્સિલના નવા એન્ફોર્સમેન્ટ કોન્ટ્રાક્ટરે 20 નવેમ્બરે આ કિશોરીના સરનામે પેનલ્ટી નોટિસ મોકલી આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગણવેશધારી અધિકારીએ આ કિશોરીને કચરો ફેંકતા જોઇ હતી.
નામ નહીં આપવાની શરતે કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ કચરો તેમના ફ્લેટના કોમ્યુનિટી બિન્સમાં જ મૂક્યો હતો પરંતુ તે બિન્સ નિયમિત રીતે ખાલી કરાતાં નથી અને તેમાંથી કચરો બહાર આવી જાય છે. આ રીતે બાળકને દંડ ફટકારવો વાહિયાત નિર્ણય છે. આ દંડના કારણે પડનારી આર્થિક અસરથી હું ઘણો ચિંતિત છું. તેના કારણે મારી દીકરી પણ તણાવમાં રહે છે.


