લંડનઃ 29 જુલાઇના રોજ સાઉથપોર્ટ ખાતે એક ડાન્સ ક્લાસમાં થયેલી છૂરાબાજીમાં 3 નિર્દોષ કન્યાઓની હત્યા બાદ શરૂ થયેલી હિંસા અને રમખાણો સમગ્ર યુકેમાં આખું સપ્તાહ જારી રહ્યાં હતાં. 29 જુલાઇ બાદના સમગ્ર સપ્તાહમાં જમણેરી વિચારધારા ધરાવતા જૂથો અને દેખાવકારો દ્વારા સંખ્યાબંધ હિંસક વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. ડાન્સ ક્લાસમાં હુમલો કરનાર 17 વર્ષનો સગીર મુસ્લિમ અને ગેરકાયદેસર માઇગ્રન્ટ હોવાની સોશિયલ મીડિયા પર અફવા ફેલાયા બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. નોર્થ ઇંગ્લેન્ડમાં 2011ના ઉનાળામાં એક મિશ્ર વંશીય સમુદાયના વ્યક્તિની પોલીસ દ્વારા કરાયેલી હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ઇંગ્લેન્ડમાં ફાટી નીકળેલી આ સૌથી ભયાનક હિંસા હતી.
ડાન્સ સ્કૂલની ઇવેન્ટમાં એક હુમલાખોર દ્વારા કરાયેલી છૂરાબાજી બાદ સાઉથપોર્ટમાં મસ્જિદની બહાર તોફાનો ફાટી નીકળ્યાં હતાં. માસ્ક અને હૂડી પહેરેલા તોફાનીઓના ટોળાએ 30 જુલાઇ મંગળવારની સાંજે નારાબાજી કરી પોલીસ પર હુમલા કર્યાં હતાં. મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે, તોફાની ટોળાએ સેન્ટ લૂક રોડ પર આવેલી મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ પોલીસ પર બોટલો અને વ્હીલી બીન્સથી હુમલા કર્યાં હતાં. જેમાં એક પોલીસ કર્મચારીનું નાક તૂટી ગયું હતું. તોફાનોમાં 53 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી. 24 કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
31 જુલાઇના બુધવારે પણ દેશમાં ફાર રાઇટ્સ ઠગોનો ઉત્પાત વધુ પ્રસર્યો હતો. બ્રિટનની રાજધાની લંડન સહિત અન્ય શહેરોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. લંડન, હર્ટલપૂલ અને માન્ચેસ્ટરમાં ટોળાઓએ સડકો પર ઉતરીને પોલીસ પર હુમલા કર્યાં હતાં અને પોલીસના વાહનો સળગાવી દીધાં હતાં. સેન્ટ્રલ લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટ નજીક દેખાવો કરી રહેલા 100 કરતાં વધુ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. વ્હાઇટહોલ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણો સર્જાઇ હતી. હર્ટલપૂલમાં પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણો થતાં મોટી સંખ્યામાં ધરપકડો કરાઇ હતી.
સાઉથપોર્ટમાં માસૂમ દીકરીઓની હત્યા સામે ભભૂકી રહેલો રોષ શુક્રવારે સંડરલેન્ડમાં ફાટી નીકળ્યો હતો. નોર્થઅમ્બ્રિયા પોલીસે જણાવ્યું હતું કે, સેંકડો લોકોના તોફાની ટોળાએ સિટી સેન્ટર વિસ્તારમાં પથ્થરમારા અને આગજની કરીને હાહાકાર મચાવ્યો હતો. . પોલીસ કચેરીની બાજુની ઇમારત અને એક પોલીસ કારને આગ ચાંપી દેવામાં આવી હતી. તોફાનીઓએ પથ્થરો અને બિયરના કેન વડે પોલીસ પર હુમલા કર્યાં હતાં. પોલીસ પર કરાયેલા હુમલામાં 3 અધિકારીને ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી.
શનિવારે લીવરપૂલ, માન્ચેસ્ટર, બ્રિસ્ટોલ, બ્લેકપૂલ અને હલ, નોર્ધન આયર્લેન્ડના બેલફાસ્ટ સહિતના સંખ્યાબંધ શહેરોમાં જમણેરી વિચારધારા ધરાવતા સંગઠનો દ્વારા રેલીઓનું આયોજન કરાયું હતું. આ રેલીઓમાં સામેલ અસામાજિક તત્વોએ મસ્જિદો અને પોલીસને નિશાન બનાવ્યાં હતા.
રવિવારની રાત પણ ભારે હિંસાભરી રહી હતી. કટ્ટર જમણેરીઓઓએ પ્લાયમાઉથ, ડાર્લિંગટન, બર્મિંગહામ અને નોર્ધન આયર્લેન્ડના બેલફાસ્ટમાં ઉત્પાત જારી રાખ્યો હતો. પ્લાયમાઉથમાં ફાર રાઇટ ઠગોએ સિટી સેન્ટર ખાતે તહેનાત પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને એક રાયોટ વાનને નુકસાન પહોંચાડ્યું હતું. શહેરમાં ફાર રાઇટ ઠગો અને રેસિઝમ વિરોધી લોકો વચ્ચે પણ અથડામણો થઇ હતી. બર્મિંગહામમાં ફાર રાઇટ ઠગો બોર્ડસલી ગ્રીન એરિયામાં એકઠાં થયાં હોવાની અફવાઓના કારણે સેંકડો લોકો જમા થયાં હતાં. ઉગ્ર બનેલા ટોળાએ પબ અને કારોને નુકસાન પહોંચાડ્યું હતું. માસ્ક લગાવેલા લોકોએ વાહનો પર હુમલા કર્યાં હતાં. આ હુમલાઓમાં ઘણા પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ડાર્લિંગટનમાં એકઠાં થયેલાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો ચલાવ્યો હતો. બેલફાસ્ટમાં પણ તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોંબ વડે હુમલા કર્યાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી 400 જેટલાં તોફાનીઓની ધરપકડ કરાઇ છે. નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ગયા મંગળવારથી અત્યાર સુધીની હિંસામાં 370 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઇ છે અને આ આંકડો દરરોજ ઊંચો જવાની સંભાવના છે.
રમખાણો અટકાવવા કોર્ટે એક્સેલ રુડાકુબાનાની ઓળખ જાહેર કરી
સાઉથપોર્ટમાં નિર્દોષ બાળકીઓના હત્યારાની ઓળખ જાહેર કરી દેવામાં આવી છે. જજે જણાવ્યું હતું કે, દેશમાં રમખાણો વ્યાપક ન બને તે માટે મને તેની ઓળખ જાહેર કરવાની ફરજ પડી રહી છે. 17 વર્ષીય આરોપી એક્સેલ રુડાકુબાનાના માતાપિતા રવાન્ડન મૂળના છે.2006માં કાર્ડિફમાં તેનો જન્મ થયો હતો. 2013માં તેનો પરિવાર લેન્કેશાયરમાં આવેલા વિલેજ ઓફ બેન્કસમાં સ્થળાંતર કરી ગયો હતો. આમ તો દેશમાં 18 વર્ષથી નાના આરોપીઓની ઓળખ જાહેર કરાતી નથી પરંતુ જજ એન્ડ્રુ મેનારી કેસીએ વિશેષ કિસ્સામાં આરોપીની ઓળખ જાહેર કરવાની પરવાનગી આપી હતી.
રશિયા સાથે સંકળાયેલી ન્યૂઝ વેબસાઇટે અફવાઓ ફેલાવી હોવાના આરોપ
સાઉથપોર્ટ સ્ટેબિંગની ઘટના બાદ બ્રિટનના વિવિધ શહેરોમાં ફાટી નીકળેલી હિંસા માટે રશિયા સાથે સંકળાયેલી બનાવટી ન્યૂઝ વેબસાઇટ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓ જવાબદાર હોવાનો આરોપ મૂકાયો છે. આ અફવાઓ સોશિયલ મીડિયા પર આગની જેમ પ્રસરી ગઇ હતી અને તેના પગલે બ્રિટનની રાજધાની લંડન સહિતના શહેરોમાં હિંસક ટોળાઓ સડકો પર ઉતરી આવ્યાં હતાં.
3 સંતાનની માતાએ ફેલાવેલી અફવાએ પલિતો ચાંપ્યો
સાઉથપોર્ટના હુમલામાં એક મુસ્લિમ માઇગ્રન્ટ સંડોવાયેલો છે તેવી અફવાનો પ્રારંભ 3 સંતાનોની માતાએ કર્યો હતો. કપડાંની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર એવી આ ણહિલાએ સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી જેમાં તેણે એક મુસ્લિમનું ખોટું નામ આપ્યું હતું. તેણે એક્સ પર લખ્યું હતું કે, સાઉથપોર્ટના હુમલામાં અલી અલ શકાતી નામનો વ્યક્તિ શંકાસ્પદ છે જે ગયા વર્ષે ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવ્યો હતો અને હવે રાજ્યાશ્રય માગી રહ્યો છે. તે એમઆઇસિક્સના વોચલિસ્ટ પર પણ છે. જો આ સાચું છે તો દરેકના સંયમનો પાળો તૂટી જશે.
રમખાણો પર લગામ કસવા વિશેષ પોલીસ એકમ રચાશેઃ સ્ટાર્મર
દેશભરમાં હિંસક રમખાણો પર લગામ કસવા માટે વિશેષ પોલીસ એકમની રચના કરવા વડાપ્રધાન કેર સ્ટાર્મરે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સડકો પર કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘનની પરવાનગી આપી શકાય નહીં. સમાજમાં રહેલા મુઠ્ઠીભર હિંસક તત્વોએ સાઉથપોર્ટના શોકગ્રસ્ત પરિવારોની વેદનામાં વધારો કર્યો છે. તોફાનીઓએ અન્ય વિસ્તારોમાં પહોંચીને, પોલીસ પર હુમલા કરીને હાહાકાર મચાવ્યો હતો.
આપણા સમાજમાં હિંસાને કોઇ સ્થાન નથીઃ રિશી સુનાક
પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે હિંસા અને રમખાણોને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, આપણા સમાજમાં હિંસા અને અપરાધિક વલણને કોઇ સ્થાન નથી. બ્રિટનની સડકો પર જોવા મળતા આઘાતજનક દ્રશ્યોને સાઉથપોર્ટની કરૂણાંતિકા સાથે કોઇ સંબંધ નથી.


