કટ્ટરવાદની નવી વ્યાખ્યા કરવા સરકારની તૈયારી

બ્રિટિશ મૂલ્યો અને સંસ્થાનોનો ઉપહાસ કરતા સંગઠનો સામે કડક પગલાં લેવાશે, સાંસદો આવા સંગઠનો સાથે મળીને કામ કરી શકશે નહીં

Tuesday 05th March 2024 15:34 EST
 
 

લંડનઃ સરકાર બ્રિટિશ સંસ્થાનો અને મૂલ્યોનો ઉપહાસ કરતા લોકો સામે કડક હાથે કામ લેવાના ભાગરૂપે કટ્ટરવાદની નવી વ્યાખ્યા કરવા અને સાંસદોને વિરોધ કરનારા જૂથો સાથે હાથ મિલાવતા અટકાવવા વિચારણા કરી રહી છે. અહેવાલો અનુસાર વડાપ્રધાન રિશી સુનાકે લેવલિંગ અપ સેક્રેટરી માઇકલ ગોવને સરકારની કટ્ટરવાદની વ્યાખ્યામાં સુધારો કરવા સૂચના આપી છે. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં કટ્ટરવાદની વ્યાખ્યા કરાઇ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મૂળભૂત બ્રિટિશ મૂલ્યોનો વાચાળ અથવા સક્રિય વિરોધ કટ્ટરવાદ છે. નવી વ્યાખ્યા અનુસાર યુકેના સંસ્થાનો અને મૂલ્યોનો ઉપહાસ અને કરતાં કૃત્યોને કટ્ટરવાદ ગણાશે.

લેવલિંગ અપ સેક્રેટરી માઇકલ ગોવ કટ્ટરવાદને ડામવા માટે નવા સરકારી એકમની વિગતો જાહેર કરે તેવી પણ સંભાવના છે. આ એકમ કોઇ વ્યક્તિ અથવા સંગઠન દ્વારા કટ્ટરવાદની નવી વ્યાખ્યાનું ઉલ્લંઘન કરાયું છે કે કેમ તેની સમીક્ષા કરશે.

સરકાર તાજેતરમાં દેશભરમાં પેલેસ્ટાઇન તરફી દેખાવો કરનારા પેલેસ્ટાઇન સોલિડારિટી કેમ્પેઇન જેવા સંગઠનો સાથે મળીને કામ કરતા સાંસદોને અટકાવવાની યોજના પર પણ વિચારણા કરી રહી છે. રાજકીય હિંસા અટકાવવા માટેના સરકારના સ્વતંત્ર સલાહકાર લોર્ડ જ્હોન વૂડકોક દ્વારા આ પ્રસ્તાવો રજૂ કરાયાં છે. વૂડકોક કહે છે કે પાર્ટી નેતાઓએ રેસિઝમ તરફ આંખ મિંચામણા કરતા અથવા તો હિંસક પ્રદર્શનો કરતા સંગઠનો સાથે મળીને કામ કરતા સાંસદો પ્રત્યે પણ આકરી નીતિ અપનાવવી જોઇએ.

જો કટ્ટરવાદની વ્યાખ્યામાં બદલાવ કરાશે તો વ્યાખ્યાનું ઉલ્લંઘન કરનારા સંગઠનોને સરકાર અને કાઉન્સિલ દ્વારા અપાતી આર્થિક સહાય બંધ કરી દેવાશે અને તેમના જાહેર સંસ્થાઓ સાથે કામ કરવા પર પ્રતિબંધ લદાશે.

વ્હાઇટ હોલના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અંગેની જાહેરાત માર્ચના અંત ભાગમાં કરાશે જેમાં નવી વ્યાખ્યા અંતર્ગત પ્રતિબંધિત થનારા સંગઠનોની યાદીનો પણ સમાવેશ હશે. જો કે હજુ આ યોજના પર કામ ચાલી રહ્યું છે અને તેને કાનૂની પડકાર પણ મળી શકે છે.

નવી વ્યાખ્યાના કારણે વાણી સ્વતંત્રતા જોખમાવાનો ભય

કટ્ટરવાદની નવી વ્યાખ્યાના કારણે નવો વિવાદ શરૂ થઇ શકે છે. નવી વ્યાખ્યાના કારણે સ્વતંત્ર એક્ટિવિસ્ટો સામે પણ કાનૂની પગલાં લેવાઇ શકે છે. વ્યાખ્યા તૈયાર કરી રહેલા સરકારી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે નવી વ્યાખ્યાના કારણે મુખ્ય પ્રવાહમાં રહેલા સંગઠનોની માન્યતાઓ અને પ્રવૃત્તિઓ પણ ગેરકાયદેસર ઠરી શકે છે. વ્હાઇટહોલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવી વ્યાખ્યાના કારણે વાણી સ્વતંત્રતા પણ જોખમાવાનો ભય છે. વ્યાખ્યા એટલી વ્યાપક છે કે તેના સપાટામાં કાયદેસરના સંગઠનો અને વ્યક્તિઓ પણ આવી શકે છે.

નવી વ્યાખ્યા મુદ્દે ટોરી પાર્ટીમાં જ તડાં

કટ્ટરવાદની નવી વ્યાખ્યા મુદ્દે ટોરી પાર્ટીમાં જ વિભાજન દેખાઇ રહ્યું છે. સરકારના કેટલાક મંત્રીઓએ જ  ચિંતા વ્યક્ત કરી છે કે નવી વ્યાખ્યાના કારણે ગે મેરેજ, એબોર્શન અથવા તો નવા ટ્રાન્સજેન્ડર અધિકારો માટે લડત ચલાવતા સંગઠનો પણ દંડાઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter