કટ્ટરવાદી ઝાકિર નાઈકની ટેલિવિઝન ચેનલ્સને ભારે દંડ

Monday 11th May 2020 01:57 EDT
 
 

લંડનઃ યુકેમાં બ્રોડકાસ્ટિંગ નિયમોના ભંગ બદલ રેગ્યુલેટર ઓફકોમ દ્વારા પીસ ટીવી અને પીસ ટીવી ઉર્દુના પૂર્વ બ્રોડકાસ્ટરોને ભારે દંડ ફરમાવાયો છે. ઓફકોમે ઈસ્લામિક પરિપ્રેક્ષ્ય સાથે ધાર્મિક કાર્યક્રમો પ્રસારિત કરતી આંતરરાષ્ટ્રીય સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ્સ પીસ ટીવી ઉર્દુ અને પીસ ટીવીના પૂર્વ લાયસન્સધારકોને અનુક્રમે ૨૦૦,૦૦૦ અને ૧૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ કર્યો હતો. અગાઉ, નવેમ્બર ૨૦૧૯માં પીસ ટીવી ઉર્દુનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું. આ ચેનલ્સનો સ્થાપક કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર અબ્દુલ કરીમ નાઈક છે જેના પર ધાર્મિક ઉશ્કેરણી કરવાનો આરોપ લાગેલો છે.

ઓફકોમ દ્વારા જણાવાયું હતું કે પીસ ટીવી અને પીસ ટીવી ઉર્દુ પર પ્રસારિત કરાતા કાર્યક્રમોમાં હેટ સ્પીચ તેમજ ભારે ઉશ્કેરણીજનક આક્રમક તત્વો હતા જેના કારણે અપરાધને પણ ઉત્તેજન મળે તેવી ઘટના જોવા મળી હતી. તપાસમાં જણાયું હતું કે તેનાથી દેશના બ્રોડકાસ્ટિંગ નિયમોના સંપૂર્ણ પાલનનો ભંગ થતો હતો. આના પરિણામે, પૂર્વ લાયસન્સ ધારકો ક્લબ ટીવી અને લોર્ડ પ્રોડક્શન્સે હવે પેમાસ્ટર જનરલને અનુક્રમે ૨૦૦,૦૦૦ અને ૧૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ચૂકવવો પડશે.

ભારતના મુંબઈમાં જન્મેલો ઝાકિર અબ્દુલ કરીમ નાઈક મૂળ તબીબી સ્નાતક છે. તેણે ૧૯૯૧માં ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેની પત્ની ફરહત આ સંસ્થાની મહિલા શાખાની પ્રમુખ છે. અન્ય ધર્મોની સરખામણીએ ઈસ્લામની શ્રેષ્ઠતા સાબિત કરવાના તેના અનેક વીડિયો ફરતા થયા પછી ભારત સરકારે ધાર્મિક ઉશ્કેરણી સબબ ૨૦૧૨માં તેની પીસ ટીવી ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની વિરુદ્ધ ધાર્મિક વૈમનસ્ય ઉભુ કરવા, મની લોન્ડરિંગ તેમજ ત્રાસવાદને ભંડોળ આપવા સહિતના આરોપો છે.

ત્રાસવાદ અને ધાર્મિક જેહાદ વિશે પોતાના આગઝરતાં ભાષણો થકી તે વિવાદો સર્જતો રહે છે પરિણામે, ૨૦૧૭માં તેનો ભારતીય પાસપોર્ટ પણ રદ કરી દેવાયો હતો. કહેવાય છે કે તેને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ નાઈકને ભાગેડુ અપરાધી જાહેર કરી તેની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા આરંભી હતી. બ્રિટન અને કેનેડાએ વિઝા આપવાનું નકાર્યા પછી નાઈક હાલ કાયમી નિવાસીના દરજ્જા સાથે મલેશિયામાં રહે છે અને ભારત તેમજ હિન્દુ ધર્મવિરોધી બયાનો કરતો રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter