લંડનઃ યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીમ બેરો અને ભારતના તેમના સમકક્ષ અજિત ડોભાલ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાયેલી મુલાકાતમાં બંને દેશ હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે પગલાં લેવાના સહકારમાં વધારો કરવા સહમત થયાં હતાં. બંને દેશે એકસૂરે જણાવ્યું હતું કે લોકશાહીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને ઉચિત ગણાવી શકાય નહીં.
ટીમ બેરો સાથેની મુલાકાતમાં અજિત ડોભાલે બ્રિટનમાં ભારતીય હાઇકમિશનના અધિકારીઓને ધમકી આપી રહેલા કટ્ટરવાદી તત્વોનો મામલો ઉઠાવ્યો હતો અને આ પ્રકારના તત્વો સામે દેશનિકાલ અથવા તો કાયદાકીય કાર્યવાહી જેવા આકરાં જાહેર પગલાં લેવાની માગ કરી હતી.
સૂત્રે જણાવ્યું હતું કે, બંને દેશ આતંકવાદ, આતંકવાદને અપાતી આર્થિક સહાય અને આતંકવાદ માટે ઇન્ટરનેટના ઉપયોગ, માદક દ્રવ્યોની દાણચોરી અને કટ્ટરવાદને અટકાવવા સાથે મળીને કામ કરવા સહમત થયાં હતાં.
યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વ્યૂહાત્મક મંત્રણા માટે નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. તેમની સાથે યુકે સરકારના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. બંને દેશ મહત્વની અને નવી આવી રહેલી ટેકનોલોજીમાં પરસ્પર લાભદાયી સહકાર માટે પણ સહમત થયાં છે.


