લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને નવા કડક કોરોના ટીયર્સ નિયંત્રણો કોમન્સમાં પસાર કરાવવામાં ૫૫ ટોરી સાંસદોનો બળવારુપ વિરોધ સહન કરવો પડ્યો હતો. જોકે, લેબર પાર્ટી મતદાનમાં ગેરહાજર રહેવાથી આ નિયંત્રણો ૨૯૧ વિરુદ્ધ ૭૮ મતથી કોમન્સમાં પસાર કરી દેવાયા હતા. આ પગલાંના કારણે ૯૯ ટકા ઈંગ્લેન્ડ બુધવારથી વધુ સખત ટીયર્સ સિસ્ટમ હેઠળ આવી ગયું હતું. છ કલાકની ચર્ચામાં સાંસદોએ કડક ટીયર સિસ્ટમને મનસ્વી અને અવ્યવસ્થિત ગણાવી હતી.દરમિયાન, યુકેમાં કોવિડથી મૃત્યુઆંક ૬૦,૬૧૭ને પાર થઈ ગયો છે. જોકે, કેસીસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
વડા પ્રધાને મતદાન વેળાએ પણ સરકારને ટેકો આપવા ટોરી સાંસદોને ઘણા સમજાવ્યા હતા. જોકે, બે ટેલર્સ સહિત ૫૫ ટોરી સાંસદોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતુ અને ૧૬ સાંસદ ગેરહાજર રહ્યા હતા. જોકે, ૭૦ ટોરી સાંસદો બળવો કરશે તેવી ધારણા ખોટી પડી હતી પરંતુ, સેકન્ડ લોકડાઉનનો વિરોધ કરનારા ૩૪ બળવાખોરો કરતાં સંખ્યા વધી હતી. લેબર પાર્ટીએ મતદાનથી અળગા રહેવાની જાહેરાત કરી હતી પરંતુ, પાર્લામેન્ટરી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીન સહિત ૧૬ સાંસદોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
ઈંગ્લેન્ડમાં ચાર સપ્તાહના સેકન્ડ લોકડાઉન પછી નવા ટીયર્સ નિયંત્રણો તત્કાળ અમલી બનાવાયા હતા. ઈંગ્લેન્ડના ૪૦ ટકાથી વધુ લોકો ટીયર – ૩ના નિયંત્રણો હેઠળ આવ્યા હતા જેના કારણે પબ્સ અને રેસ્ટોરાં બંધ થયા હતા તેમજ લગભગ સમગ્ર દેશમાં પરિવારોને ઘરમાં સામાજિક સંપર્ક ધરાવવા પર પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, બ્લેકપૂલ, વેસ્ટ અને સાઉથ યોર્કશાયર, લેસ્ટરશાયર, લેસ્ટર, નોટિંગહામ, નોટિંગહામશાયર તેમજ કેન્ટ, ડર્બીશાયર, બ્રિસ્ટોલ અને વોરવિકશાયર સહિતના વિસ્તારોમાં ટીયર – ૩ના નિયંત્રણો લાગુ છે.