લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓ પર કડક નિયંત્રણોના કારણે સ્ટુડન્ટ વિઝા અરજીઓની સંખ્યાને ભારે અસર થઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિના સુધી ઈયુ બહારના દેશોના વિદ્યાર્થીઓમાં વિઝા અરજીઓ છ ટકાના ઘટાડા સાથે ૨૨૨,૬૦૯ થઈ હતી. આ ઘટાડો મુખ્યત્વે યુનિવર્સિટી સેક્ટરની બહાર ફર્ધર એજ્યુકેશન સંસ્થાઓમાં અરજીઓના ઘટાડાથી નોંધાયો છે.
વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિના સુધી ફર્ધર એજ્યુકેશન અને અન્ય સંસ્થાઓમાં અભ્યાસ માટેની વિઝાઅરજીઓ ૧૬ ટકા ઘટીને ૨૦,૭૭૦ થઈ હતી. આ ઉપરાંત, સ્વતંત્ર સ્કૂલ્સમાં અભ્યાસ માટે અરજીઓ ત્રણ ટકા ઘટીને ૧૩,૫૯૧ થઈ હતી.
સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ અટકાવવા ૨૦૧૧માં દાખલ કરાયેલા નિયમોના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનું એજ્યુકેશન પ્રોવાઈડર્સ માટે મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત, ઈમિગ્રેશનવિરોધી અભિયાન પણ સાચા વિદ્યાર્થીઓને યુકે આવતા અટકાવે છે. વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી યુકેમાં લાંબુ રોકાણ અને બે વર્ષ કામ પણ કરી શકે નહિ તેવા ૨૦૧૨ના સુધારા પછી તેમના માટે યુકે આવવું વધુ મુશ્કેલ બન્યું છે.
જોકે, હોમ ઓફિસની દલીલ એવી છે કે ફર્ધર એજ્યુકેશન સેક્ટરની સ્પોન્સર્ડ વિઝા અરજીઓમાં મધ્ય-૨૦૧૧ પછીનો મોટા ભાગનો ઘટાડો રદ કરાયેલાં લાયસન્સીઝના કારણે છે. જોકે, આ નીતિની ટીકામાં કહેવાયું છે કે ઓસ્ટ્રેલિયા જેવાં દેશો નવી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નેશનલ રણનીતિઓ લોન્ચ કરી રહ્યાં છે ત્યારે યુકેમાં નોન-ઈયુ વિદ્યાર્થીઓને કડક વિઝા નિયંત્રણો અને રોજગાર પ્રતિબંધોનો ભોગ બનાવાઈ રહ્યા છે.


