કથક ગુરુ બલબીર સિંહ રોયલ ઓનર 'MBE' થી સન્માનિત

આ પુરસ્કાર ભારતની ગુરુ – શિષ્ય પરંપરાનું સન્માનઃ બલબીર સિંહ

Tuesday 07th April 2026 10:44 EDT
 
 

લંડનઃ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલી કથકના ખ્યાતનામ કલાકાર બલબીર સિંહને નૃત્ય ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બ્રિટનના પ્રતિષ્ઠિત 'મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' (MBE) સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ શાહી સન્માન સ્વીકારતા સિંહે જણાવ્યું હતું કે, આ પુરસ્કાર માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય શાસ્ત્રીય કલાની 'ગુરુ-શિષ્ય' પરંપરાનું વિજયગાન છે.

ભારતમાં જન્મેલા અને યુકેમાં ઉછરેલા બલબીર સિંહે પદ્મશ્રી ગુરુ પ્રતાપ પવારના માર્ગદર્શન હેઠળ કથકની તાલીમ લીધી હતી. ઉત્તર ઈંગ્લેન્ડના લીડ્ઝ સ્થિત બલબીર સિંહ ડાન્સ કંપનીના સ્થાપક અને કલા નિર્દેશક તરીકે તેઓ છેલ્લા બે દાયકાથી બ્રિટિશ સાંસ્કૃતિક જીવનમાં કથક અને સમકાલીન નૃત્ય વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરી રહ્યા છે.

વિન્ડસર કેસલ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં સન્માન ગ્રહણ કર્યા બાદ સિંહે ભાવુક થઈને જણાવ્યું હતું કે, કથકની તાલીમે માત્ર મારી કળાને જ નહીં, પરંતુ મારામાં શિસ્ત, નમ્રતા અને જવાબદારીની ભાવનાને પણ આકાર આપ્યો છે. આ માન્યતા એ તમામ લોકોની છે જેમણે પેઢીઓ અને ખંડોમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યને જીવંત રાખ્યું છે.

રોયલ ઓનર પ્રાપ્ત કરનાર બલબીર સિંહ માને છે કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય એ વિશ્વના કોઈપણ ખૂણે પ્રસ્તુત કરી શકાય તેવી વૈશ્વિક ભાષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter