લંડનઃ આગામી સંસદીય ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કન્ઝર્વેટિવ પક્ષના વડા કેમી બેડેનોકે શેડો કેબિનેટમાં મોટા પાયે ફેરબદલ કરતાં પોતાના વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે. આ આંતરિક ફેરબદલમાં શેડો ચાન્સેલર મેલ સ્ટ્રાઇડ અને શેડો ફોરેન સેક્રેટરી ડેમ પ્રીતિ પટેલને તેમના હોદ્દા પરથી હટાવી દેવાયા છે. આ ફેરબદલ દ્વારા બેડેનોકે પોતાના પક્ષને આગામી ચૂંટણી માટે સજ્જ કરવાનો અને આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષા નીતિઓમાં નવો અભિગમ અપનાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
એન્ડ્રુ ગ્રીફિથને મેલ સ્ટ્રાઇડના સ્થાને નવા શેડો ચાન્સેલર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ટોમ તુગેનધાતને પ્રીતિ પટેલની જગ્યાએ શેડો ફોરેન સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. ક્લેર કોટીન્હોને શેડો બિઝનેસ, ઇનોવેશન, સાયન્સ અને ટ્રેડ વિભાગની જવાબદારી સોંપાઈ છે તેમજ તેઓ ગ્રીફિથના નાયબ તરીકે પણ કામગીરી સંભાળશે. ડેમિયન હિન્ડ્સને શેડો કેબિનેટમાં આરોગ્ય વિભાગની જવાબદારી આપવામાં આવી છે. વર્ષ 2024ની ટોરી લિડરશીપ રેસમાં ચોથા ક્રમે રહ્યા બાદ તુગેનધાત પ્રથમ વખત વરિષ્ઠ ભૂમિકામાં પરત ફરી રહ્યા છે. તેઓ બ્રિટિશ આર્મી રિઝર્વના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય બાબતો તેમજ સુરક્ષાના વિષયો પર સતત મુખર રહ્યા છે. આ પહેલાં તેઓ બોરિસ જોન્સન અને લિઝ ટ્રસની સરકારમાં સિક્યુરિટી મિનિસ્ટર તરીકે તેમજ પાંચ વર્ષ સુધી ફોરેન અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.
નવી વૈશ્વિક ભુમિકા સ્વીકારવા પદત્યાગ કરી રહી છુઃ પ્રીતિ પટેલ
ડેમ પ્રીતિ પટેલે શેડો ફોરેન સેક્રેટરી પદ છોડવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ વિશ્વભરની સહયોગી પાર્ટીઓ અને મધ્યમ-જમણેરી વિચારસરણી ધરાવતા આંતરરાષ્ટ્રીય જૂથો સાથે સંબંધો મજબૂત કરવા એક નવી વૈશ્વિક ભૂમિકા સ્વીકારી રહ્યા હોવાથી આ પદ છોડી રહ્યા છે. બેક બેન્ચ પર પરત ફરવાથી તેઓ તેમના મતવિસ્તારને વધુ સમય ફાળવી શકશે.


