કન્ઝર્વેટિવ પાર્ટીમાં વડાપ્રધાન રિશી સુનાક સામે બળવાના સૂર બુલંદ બન્યાં

સુનાકને ઘેરવા બળવાખોર સાંસદોએ પાંચ સૂત્રી કાર્યક્રમ જાહેર કર્યો

Tuesday 30th April 2024 12:17 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સુનાક માટે ચઢાણ કપરાં બની રહ્યાં છે. ટોરી બળવાખોરોએ રિશી સુનાકને વડાપ્રધાનપદેથી હટાવવાના પ્રયાસો વેગીલા બનાવતાં કન્ઝર્વેટિવ પાર્ટીનું ભવિષ્ય સુધારવાના પ્રયાસના ભાગરૂપે 100 દિવસની યોજના તૈયાર કરી છે. આગામી ગુરુવારે બ્રિટનમાં સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીઓ યોજાઇ રહી છે. પાર્ટી આ મહા પડકારનો સામનો કરવા તૈયારી કરી રહી છે ત્યારે આગામી સપ્તાહો સુનાક માટે અગ્નિપરીક્ષા સ્વરૂપ પૂરવાર થઇ શકે છે. સુનાકને વધુ એક ફટકાસમાન ઘટનામાં પૂર્વ મંત્રી ડો. ડેન પોલ્ટર કન્ઝર્વેટિવ પાર્ટી સાથે છેડો ફાડીને લેબર પાર્ટીમાં જોડાઇ ગયાં છે.

ટોરી બળવાખોરોએ સુનાકના અનુગામી માટે પાંચ સૂત્રીય યોજના તૈયાર કરી છે. જેમાં લીગલ માઇગ્રેશન પર નિયંત્રણ, બેનિફિટ્સ બિલમાં કાપ અને જુનિયર ડોક્ટરોને પગાર વધારો આપવાનો સમાવેશ થાય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોરી પાર્ટીના જમણેરી સાંસદો અને પેની મોરડોન્ટના સહયોગીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ટોરી બળવાખોરો મોરડોન્ટને સંભવિત કેર ટેકર વડાપ્રધાન તરીકે જોઇ રહ્યાં છે. તેમનામાં સંસદની ચૂંટણી પહેલાં ટોરીના જમણેરી અને ડાબેરી સાંસદોમાં એકતા સાધવાની ક્ષમતા છે.

ટોરી નેતાગીરી માની રહી છે કે બળવાખોર સાંસદો પાસે પુરતું સંખ્યાબળ નથી પરંતુ ટોરી બળવાખોરો સ્થાનિક ચૂંટણીઓના પરિણામોની રાહ જોઇ રહ્યાં છે જેથી વધુ સાંસદોનું સમર્થન હાંસલ કરી શકાય. જો સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવનો પરાજય થશે તો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter