કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા ડાયાબિટીસ વિશે પેનલ ચર્ચા

Wednesday 01st March 2017 07:05 EST
 
 

માન્ચેસ્ટરઃ તાજેતરમાં માંચેસ્ટર ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા કન્ઝર્વેટિવ હેલ્થ એન્ડ ધ કન્ઝર્વેટિવ પોલીસી ફોરમના સહયોગથી ‘બ્રિટિશ સાઉથ એશિયન સમુદાયમાં ડાયાબિટીસ’ વિષય પર નિષ્ણાતોની પેનલ દ્વારા ચર્ચાનું આયોજન કરાયું હતું.

અન્ય સામાન્ય લોકોની સરખામણીએ બ્રિટનના સાઉથ એશિયન સમુદાયના લોકો ડાયાબિટીસનો ભોગ બનવાની શક્યતા છ ગણી વધારે છે. વિષય નિષ્ણાતોએ BMI ના રિઝલ્ટ્સને ગંભીરતાથી લેવાની જરૂર જણાવી હતી. સાઉથ એશિયનોમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધુ હોવાથી તેમની વય ૨૫ વર્ષ થાય ત્યારથી જ ડોક્ટરોએ તપાસ કરવી જોઈએ કે કેમ તે વિષે ચર્ચા કરાઈ હતી.

યોગ્ય આહારનું મહત્ત્વ, સમાજ આગળ વધતો હોવાથી સમુદાયનું સંકલન સુનિશ્ચિત કરવાની તેમજ શિક્ષણને અગ્રીમતા આપવા સહિત ઘણી બાબતો પર ચર્ચા થઈ હતી.

 મિનિસ્ટર ફોર કોમ્યુનિટી હેલ્થ એન્ડ કેર અને MP  ડેવિડ મોવાત અને કન્ઝર્વેટિવ પાર્ટીની ૧૯૨૨ની કમિટિના ચેરમેન ગ્રેહામ બ્રે઼ડી MP સાથે મુખ્ય વકતા હતા.

રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના બોર્ડ મેમ્બર અને સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશનના સીઈઓ ડો. મહેન્દ્ર પટેલ અને ડો ઝુબીર એહમદ GP નો અન્ય વક્તાઓમાં સમાવેશ થતો હતો. કાર્યક્રમના અધ્યક્ષપદે કન્ઝર્વેટિવ હેલ્થના ડો. બેન સ્પેન્સર હતા.

તમામ વક્તાઓએ આ વિષયના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ઉપસ્થિત શ્રોતાઓ સાથે પ્રશ્રોત્તરીમાં ભાગ લઈને જવાબો આપ્યા હતા.

ડેવિડ મોવાતે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં તેમને ખૂબ આનંદ આવ્યો હતો અને સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ડાયાબિટીસ વિષય પર ચર્ચામાં ભાગ લેવાની તથા વક્તાઓને સાંભળવાની તક મળી હતી.

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન શૈલેષ વારા MPએ જણાવ્યું હતું કે સાઉથ એશિયન કોમ્યુનિટી માટે આ ખૂબ મહત્ત્વનો વિષય છે અને મને આનંદ છે કે આ રોગનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ તેને માટે શીખવા, વિચારવા અને વિકલ્પો શોધવા માટે સરકારના સભ્યો, તબીબી નિષ્ણાતો અને નાગરિકો સૌ એકસાથે થયા છીએ.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter