લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CF India) દ્વારા સોમવાર, ૨૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ લંડનની તાજ હોટેલમાં તેના ફેસ્ટિવ સીઝન ડ્રિન્ક્સ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં વૈવિધ્યતા અને યુકેના ભારતીય ડાયસ્પોરાના પ્રદાનની ઉજવણી માટે આ સુયોગ્ય અવસર હતો. આ સાથે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા તમામનો આભાર માનવાનો પણ અવસર હતો. ડો. રેમી રેન્જર CBE, ભારતીય હાઈ કમિશનના વરિષ્ઠ અધિકારીઓ મિનિસ્ટર કો-ઓર્ડિનેશન એ.એસ. સુંદર અને મિનિસ્ટર કોન્સ્યુલર એસ. કે. ઝા તેમજ CF Indiaના સભ્યોએ ૨૦૦૮ના મુંબઈમાં ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના મૃતકોની યાદમાં એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે જસ્ટિસ સેક્રેટરી-સાંસદ ડેવિડ ગૌકે, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ આલોક શર્મા, સાંસદો થેરેસા વિલિયર્સ અને બોબ બ્લેકમેન, બ્રિટનમાં ઈઝરાયેલી રાજદૂત માર્ક રેગાવ, ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઈન, ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર કો-ઓર્ડિનેશન એ.એસ. સુંદર અને મિનિસ્ટર કોન્સ્યુલર એસ. કે. ઝા ઉપસ્થિત હતા. સહઅધ્યક્ષ અને સાંસદ ઝેક ગોલ્ડસ્મિથે મહેમાનોને આવકારવા સાથે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સભ્યો તેમજ પોતાના સાથી સહઅધ્યક્ષ ડો. રેમી રેન્જર CBE દ્વારા ભારતીય હાઈ કમિશન અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે સુમેળપૂર્ણ સંબંધો વિકસાવવા બદલ કરાયેલા કાર્યની પ્રસંશા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહીને બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા સાથે એકતા દર્શાવવા બદલ બ્રિટનમાં ઈઝરાયેલી રાજદૂત માર્ક રેગાવનો પણ આભાર માન્યો હતો.
ડો. રેમી રેન્જરે જણાવ્યું હતું કે ભારત રચનાત્મક પરિબળ સ્વરુપે ઉભરી રહ્યું છે અને વિશ્વની સમૃદ્ધિમાં ફાળો આપી રહ્યું છે. ભારત આદર્શ રાષ્ટ્ર છે, જ્યાં વિવિધતામાં એકતાનું દર્શન થાય છે. બ્રિટનની માફક જ વિવિધતાનો સ્વીકાર, સન્માન અને રક્ષણ થાય છે. આ જ રીતે આપણે પણ દીવાળી, ઈદ, વૈશાખી અને ભગવાન બુદ્ધના જન્મદિની સુમેળપૂર્ણ ઉજવણી કરીએ છીએ. તેમણે બ્રિટનમાં ભારતીયોના પ્રદાન પર પ્રકાશ પાડવા સાથે ભારતીય હાઈ કમિશનનો સપોર્ટ બદલ આભાર માન્યો હતો અને નવનિયુક્ત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ સાથે કામ કરવા આતુર હોવાનું પણ જણાવ્યું હતું.
CF Indiaના ઉપાધ્યક્ષો બોબ બ્લેકમેન અને થેરેસા વિલિયમ્સ, આલોક શર્મા, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે અને જ્યોફ વેઈને પ્રસંગોચિત સંબોધનો કર્યાં હતાં. CF Indiaના પેટ્રન અનિલ શર્માએ આભારવિધિ કર્યો હતો.


