લંડનઃ બ્રિટનમાં ભારત અને ભારતીય સમુદાયના પ્રખર સમર્થક અને કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન પાર્ટીની પ્રભાવશાળી ગણાતી 1922 કમિટીના અધ્યક્ષપદે ચૂંટાઇ આવ્યા છે. હેરો ઇસ્ટના સાંસદ બ્લેકમેન સાંસદોની બેક બેન્ચ કમિટીના ચેરમેનની ચૂંટણીમાં 61 મત સાથે ચૂંટાયા હતા. તેમના પ્રતિસ્પર્ધી સર જ્યોફરી ક્લિફટનને 37 મત હાંસલ થયાં હતાં.
કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં 1922 કમિટીની મહત્વની ભુમિકા રહે છે. કમિટીના ચેરમેન ટોરી સાંસદો દ્વારા રજૂ કરાતા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં મહત્વની ભુમિકા ભજવે છે.
બો બ્લેકમેને હવે સૌથી પહેલું કામ રિશી સુનાકના અનુગામીની પસંદગી માટે પાર્ટીના બોર્ડ સાથે મળીને કરવાનું રહેશે. જો 15 ટકા ટોરી મતદારો દ્વારા અરજી કરવામાં આવે તો વિશ્વાસ મત હાથ ધરાશે. પાર્ટીના 121 સાંસદ છે તેથી જો 18 સાંસદ પણ માગ કરે તો વિશ્વાસ મત હાથ ધરવો પડશે.
1922 કમિટીના પૂર્વ ચેરમેન સર ગ્રેહામ બ્રેડી આ વખતની ચૂંટણી લડ્યાં નથી અને તેમે રિશી સુનાક દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સ માટે નામાંકિત કરાયાં છે. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે આ કમિટીની દર સપ્તાહે બેઠક મળે છે.


