લંડનઃ દુનિયાભરમાં વાયુપ્રદૂષણની મોટી ચિંતા છે. વિશ્વમાં દર વર્ષે ૫૫ લાખ લોકો વાયુપ્રદૂષણથી મોતનો શિકાર બને છે, જેમાં લગભગ અડધાં મોત તો ચીન અને ભારતમાં થાય છે. ઝેરીલી હવાથી ચીનમાં ૧૬ લાખ, જ્યારે ભારતમાં ૧૩ લાખ લોકોનાં શ્વાસ થંભી જાય છે. યુકેમાં દર વર્ષે વાયુપ્રદૂષણથી ૪૦ હજાર લોકો મૃત્યુ પામે છે. વાહનોમાંથી નીકળતો નાઇટ્રોજન ડાયોકસાઇડ હવાને મોટાપાયે પ્રદૂષિત કરે છે. લંડનમા પણ હવાની સ્થિતિ સારી નથી.
વધતાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લમ લેબ્સ કંપનીએ બિલકુલ નવો પ્રયોગ કર્યો છે. આ કંપનીએ પ્રદૂષણની સ્થિતિ જાણવા ૧૦ કબૂતરોની પીઠ પર એક બેકપેક ફિટ કર્યું છે, જેમાં હવામાં ઝેરીલી હવાની હાજરીની માહિતી આપતા ઉપકરણો ફિટ કરાયાં છે. તેનાથી વાયુમંડળમાં નાઇટ્રોજન ડાયોકસાઇડ, ઓઝોન અને અન્ય જોખમી ગેસની હાજરી જાણી શકાય છે. બેકપેક અને લાઇવ મેપની મદદથી કબૂતરોનાં ઉડાનક્ષેત્રોમાં હવાની સ્થિતિની માહિતી મેળવાઈ રહી છે.
લંડનમાં સોશિયલ મીડિયા પર કબૂતરસેના છવાઈ ગઈ છે. પિજન એર હેશટેગની સાથે લંડનની વ્યક્તિ પોતાના વિસ્તારનું નામ ટ્વિટ કરી ત્યાંની હવા કેટલી ઝેરીલી છે તે જાણી શકે છે. ટ્વિટર દ્વારા ‘સોલ્વ અ પ્રોબ્લેમ’ સ્પર્ધામાં આ એન્ટ્રીને વિજેતાનો પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પ્રોજેક્ટને અમલમાં મૂકતાં પહેલાં લંડન ડિઝાઇન ફેસ્ટિવલમાં રખાયો હતો, જ્યાં તેનાં ખૂબ વખાણ થયાં હતાં.


