લંડનઃ ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને અધ્યક્ષ મનોજ લાડવાએ અમદાવાદની કરૂણાંતિકા પર ઊંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરતાં પીડિત પરિવારોને દિલસોજી પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે કમભાગી વિમાનમાં સવાર પ્રવાસીઓ યુકે અને ભારતને જોડતા લિવિંગ બ્રિજનો મહત્વનો હિસ્સો હતાં. આ હૃદયદ્રાવક કરૂણાંતિકા આ બંધનના માનવીય પરિમાણને વધુ સાંકળી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં યુકે અને ભારત ટેકનિકલ, લોજિસ્ટિકલ અને અન્ય સહાય આપીને ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ આ મહત્વના સંબંધના કેન્દ્રમાં લાંબાસમયથી છે અને સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપે છે.
લેબર સાંસદ જીવન સંધેરે જણાવ્યું હતું કે, ઇન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સહાધ્યક્ષ તરીકે હું યુકે અને ભારતના પીડિત પરિવારોને દિલસોજી પાઠવું છું. તેઓ જે સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે તેની હું કલ્પના કરી શક્તો નથી.
નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન યુકેએ જણાવ્યું હતું કે અમે સંપુર્ણપણે પીડિત પરિવારોની સાથે છીએ અને કોઇપણ પ્રકારની સહાય માટે ઉપલબ્ધ છીએ.