લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં કમલ પાનખણિયાની એડવાઇઝરી કાઉન્સિલ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે. આમ તેઓ લોર્ડ ઝમીર ચૌદરી (સીબીઇ એસઆઇ પીકે), મેગી ડ્રેકોટ, ડો. નિક કોટેચા (ઓબીઇ), ડો. શિખા પિતલિયા અને ટોમ સિંહ (ઓબીઇ) સાથે સામેલ થયાં છે.
કમલ પાનખણિયા યુકેની ટોચની 25 પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપનીઓમાં સામેલ વેસ્ટકોમ્બ ગ્રુપના સીઇઓ છે. તેમનું ગ્રુપ હિસ્ટોરિક ગ્રેડ વન અને ગ્રેડ ટુની યાદીમાં સામેલ ઇમારતોને વાઇબ્રન્ટ હોટેલો, કોમર્શિયલ કોમપ્લેક્સ અને રેસિડેન્સમાં પરિવર્તિત કરી બ્રિટનના આર્કિટેક્ચરલ વારસાની જાળવણી માટે જાણીતું છે. કમલના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણે વેસ્ટકોમ્બ ગ્રુપની હોટેલ ડેવલપમેન્ટ શાખા એકર હોટેલ કલેક્શનની વૃદ્ધિને વેગ આપ્યો છે. તેમનું ગ્રુપ હિલ્ટન, એકોર અને આઇએચજી જેવી ગ્લોબલ બ્રાન્ડ સાથે ભાગીદારી કરી રહ્યું છે.
વેસ્ટકોમ્બ ફાઉન્ડેશન દ્વારા કમલ પાનખણિયાના સખાવતી કાર્યો પણ નોંધનીય છે. તેઓ દાયકાઓથી હોનારતોમાં રાહત કાર્યો, કેન્યા, ભારત અને નેપાળ જેવા દેશોમાં શાળા અને હોસ્પિટલો સહિતના જરૂરી માળખાકીય પ્રોજેક્ટોમાં પ્રતિબદ્ધતા સાથે યોગદાન આપી રહ્યાં છે. યુકેમાં તેમનું ફાઉન્ડેશન ક્રાઇસિસ અને ટ્રસેલ ટ્રસ્ટ જેવી નામાંકિત ચેરિટીઓ સાથે મળીને કામ કરે છે. તેઓ ક્વીન્સ ગ્રીન કેનોપી જેવા પર્યાવરણલક્ષી કાર્યોમાં પણ યોગદાન આપી રહ્યાં છે.
પાનખણિયાએ જણાવ્યું હતું કે, બ્રિટિશ એશિયન ટ્રસ્ટની એડવાઇઝરી કાઉન્સિલ સાથે સંકળાવાનું મને ગૌરવ છે. હું સાઉથ એશિયામાં અર્થપૂર્ણ બદલાવોના મિશનને સપોર્ટ કરું છું. વિકાસ, શિક્ષણ અને હેલ્થકેર પરના તેમના કાર્યો મારા મૂલ્યો સાથે મેળ ખાય છે. અમે ટ્રસ્ટની કામગીરીને અગાઉ પણ સહયોગ આપી રહ્યાં હતાં અને સારા ભવિષ્યના નિર્માણના તેમના પ્રયાસોમાં યોગદાન આપતાં રહીશું.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એક્ઝિકયુટિવ ડિરેક્ટર હિતેન મેહતાએ જણાવ્યું હતું કે, કમલ પાનખણિયાના આગમનથી અમે ઘણા ખુશ છીએ. તેમની કુશળતા અને માર્ગદર્શન અમારા માટે અત્યંત મહત્વના બની રહેશે.


