લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટરની બોલ્ટન કાઉન્સિલની ફાઈનાન્સ કમિટીના ચેરમેન ઈસ્માઈલ ઈબ્રાહિમે બે વખત કાઉન્સિલ ટેક્સ ભર્યો નહોતો અને તેમને કોર્ટ સમક્ષ હાજર થવાનું હતું, તેમ ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન અરજી દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક અખબાર બોલ્ટન ન્યૂઝ દ્વારા નામ જાહેર ન કરાય તે માટે ઈબ્રાહિમે ત્રણ વર્ષ સુધી પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં નિષ્ફળ રહેતા આ હકીકત બહાર આવી હતી.
લેબર પાર્ટીના ઈબ્રાહિમ ખર્ચની બાબતો પર દેખરેખ રાખતી કોર્પોરેટ એન્ડ એક્સટર્નલ ઈસ્યુઝ સ્ક્રુટિની કમિટીના ચેરમેન છે. તેમને આ હોદ્દેથી પાણીચું અપાશે અને તેમને રાજીનામું આપી દેવા જણાવતા કોલ્સ પણ મળી રહ્યા છે. ઈબ્રાહિમે કહ્યું, ‘મારું નામ અગાઉ જાહેર ન કર્યું તે બદલ હું અંતઃકરણપૂર્વક માફી માગું છું.’


