લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડે લંડનમાં લઘુમતી સમુદાયનો વિશ્વાસ હાંસલ કરવાના પ્રયાસરુપે બીજી ભાષાનું જ્ઞાન ધરાવતા વધુ ઓફિસરોની પોલીસમાં મોટા પાયે ભરતી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આ ખરેખર પ્રશંસનીય પહેલ છે, જેનાથી પોલીસ અધિકારીઓને વિશેષ લાભ પ્રાપ્ત થશે. તેમને લઘુમતી સમુદાયોમાં રોજબરોજની ઘટનાઓ વિશે વધુ જાણકારી મળશે, જેની આજની પળે સૌથી વધુ જરુરિયાત છે.
એક મહિના લાંબા પાયલોટ પ્રોજેક્ટનો આરંભ સોમવાર ૨૦ જુલાઈથી કરવામાં આવ્યો છે અને તેમાં યોરુબા, હિબ્રુ, અરેબિક, હિન્દી, પંજાબી, ઈટાલિયન, જર્મન, ટર્કીશ, ગ્રીક, સ્પેનિશ, પોલીશ, પોર્ટુગીઝ, સિંહાલા અને બંગાળી ભાષાઓનો સમાવેશ કરાયો છે.
આ સમાવિષ્ટ ૧૪ ભાષા ઉપરાંત, મોટી સંખ્યામાં લંડનવાસીઓ ગુજરાતી અને ઉર્દુ ભાષા પણ બોલે છે. મેટ્રોપોલીટન પોલીસના કમિશનર સર બર્નાર્ડ હોગાન-હોવે કહ્યું છે કે,‘ અમારે આ ભાષાઓ મુખ્યત્વે બોલાય છે તેવાં સ્થળો અને વિસ્તારોમાં બીજી ભાષાનું જ્ઞાન ધરાવતા પોલીસ અધિકારીઓની ભરતી અને તેમની ગોઠવણી કરવી જોઈશે.’
કમિશનર, તમને તો ખબર હશે જ કે હેરો, બ્રેન્ટ, બાર્નેટ, હેરિંગ, ન્યૂ હામ, વોન્ડ્ઝવર્થ અને લંડનના અન્ય ઘણાં બરોઝમાં ગુજરાતી મૂળના આશરે ૪૦૦,૦૦૦ લોકો વસવાટ કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસ અનુસાર ગુજરાતી ભાષાનો વ્યાપ બહોળો છે અને હિબ્રુ, ગ્રીક, સ્પેનિશ, સિંહાલા અને અન્ય ઘણી ભાષાઓ કરતા તેની વધુ લોકપ્રિયતા છે.
અમારો પ્રશ્ન આ છે કે તમે (કમિશનર) ગુજરાતી ભાષાનો સમાવેશ શા માટે કર્યો નથી? લંડન નામે પ્રખ્યાત શહેરમાં પોલિસિંગ સંદર્ભે તેમનો વિશ્વાસ વધારવા માટે પણ લંડનસ્થિત બ્રિટિશ-ગુજરાતીઓને તમારી ભાષાકીય રણનીતિમાં હિસ્સો બનાવવાની જરુર છે.
(એશિયન વોઈસના ૨૫ જુલાઈ, ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ ‘As I See It’ કોલમના લેખનો અનુવાદ)