કરકસરનો યુગ સમાપ્તઃ લાખો કામદારોને કરરાહતોની લહાણી કરતા ચાન્સેલર હેમન્ડ

Wednesday 31st October 2018 02:45 EDT
 
 

લંડનઃ બ્રિટન યુરોપીય યુનિયન છોડે તે પહેલાનું સંભવિત છેલ્લું બજેટ રજૂ કરતા ચાન્સેલર ફિલિપ હેમન્ડ લાખો કામદારો માટે કરરાહતની છૂટા હાથે લહાણી કરી હતી. તેમણે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ બિલિયન પાઉન્ડના ખર્ચાઓની જાહેરાતો સાથે દેખીતી રીતે જ કરકસરની નીતિનો ત્યાગ કર્યો હતો. તેમણે ૩૨ મિલિયન વર્કર્સ માટે ઈન્કમ ટેક્સમાં મોટી રાહત આપવા સાથે NHS, સોશિયલ કેર, મેન્ટલ હેલ્થ, ડિફેન્સ અને બેનિફિટ્સ રિફોર્મ્સમાં બિલિયન્સ પાઉન્ડ આપવાની ખાતરી આપી છે. જોકે, ૨૦૨૫ સુધીમાં રાજકોષીય ખાધનો અંત લાવવાની પૂરી થઈ શકશે નહિ. ચાન્સેલરે વેબજાયન્ટ્સ એમેઝોન અને ફેસબૂક પર ત્રાટકીને લાખો પાઉન્ડ મેળવવાની જાહેરાત કરી છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે ગત આઠ વર્ષમાં સરકારે કરેલા કઠોર નિર્ણયોના પરિણામે રાહતો આપવી શક્ય બની છે. તેમણે બ્રેક્ઝિટ ડીલ થઈ જવાની આશા પણ વ્યક્ત કરી હતી. ચાન્સેલરે ત્રાસવાદ સામે લડવા વધારાના ૧૬૦ મિલિયન પાઉન્ડ તેમજ મિલિટરી માટે વધારાના એક બિલિયન પાઉન્ડની જાહેરાત કરી છે.

વાર્ષિક કરમુક્ત આવક ૧૨,૫૦૦ પાઉન્ડ

કરકસરનો અંત લાવવાની માગણીને સંતોષ આપવા ચાન્સેલરે ૨૦૨૦ના દાયકાની મધ્યમાં ખાધ નાબૂદ કરવાના બદલે આવકનો હિસ્સો ઉદાર ખર્ચાઓ માટે કરવાની જાહેરાતો કરી છે. તેમણે આગામી એપ્રિલથી વાર્ષિક કરમુક્ત આવકનો દર ૧૨,૫૦૦ પાઉન્ડ રાખવા સાથે ૨૦૧૯થી ઈન્ક્મટેક્સનો ૪૦ ટકાનો ઊંચો દર ૫૦,૦૦૦ પાઉન્ડની આવક સુધી લાગુ નહિ કરવાની જાહેરાત કરી છે, જે એક વર્ષ વહેલું હશે. ઈન્કમ ટેક્સના પગલાંથી ૩૨ મિલિયન વર્કર્સને દર વર્ષે ૮૬૦ પાઉન્ડ સુધીનો લાભ થશે. જોકે, તેનાથી ટ્રેઝરીને પાંચ વર્ષમાં આશરે નવ બિલિયન પાઉન્ડનો બોજો આવશે.

NHSને ૨૦૨૩-૨૪ સુધી વર્ષે વધારાનું ૨૭ બિલિયન પાઉન્ડથી વધુ ભંડોળ અપાશે, જેના પરિણામે સરકારને ૨૦૨૩-૨૪માં ૧૯.૮ બિલિયન પાઉન્ડની ખાધનો સામનો કરવો પડશે. જો કરરાહતો જાહેર ન કરાઈ હોત તો આ ખાધ માત્ર એક બિલિયન પાઉન્ડ રહી હોત. સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટ્સ રિફોર્મ્સને બચાવવા વધુ એક બિલિયન પાઉન્ડનું ભંડોળ તથા ૧.૭ બિલિયન પાઉન્ડ સુધરેલા વર્ક એલાવન્સ તરીકે અપાશે.

નવો ડિજિટલ ટેક્સ લાગુ કરાશે

ચાન્સેલરે એમેઝોન અને ફેસબૂક સહિતની જાયન્ટ કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. ટેક જાયન્ટ્સ વધુ ટેક્સ ચુકવે તે માટે નવી લેવી લાદનાર બ્રિટન વિશ્વમાં પ્રથમ દેશ બની રહેશે તેમ ચાન્સેલરે જણાવ્યું હતું. ગૂગલ જેવી કંપનીઓની વિજ્ઞાપન આવકો પર ટેક્સ લદાશે. જોકે, ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બ્રિટનનું અર્થતંત્ર બ્રેક્ઝિટની અનિર્ણાયકતા અનુભવી રહ્યું છે ત્યારે આવી કંપનીઓ તેમના રોકાણોમાં કાપ મૂકી શકે છે. ટેક બિઝનેસ શરુ કરવા અથવા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે શ્રેષ્ઠ બ્રિટન સ્થળ હોવાની પ્રતિષ્ઠા જોખમમાં મૂકાશે.

ફ્યૂલ અને શરાબની ડ્યૂટી યથાવત

ચાન્સેલરે સતત નવમા વર્ષે ફ્યૂલ ડ્યૂટીમાં કોઈ વધારો કર્યો નથી. આ જ રીતે, બિયર અને સિડાર પીણાઓની ડ્યૂટી પણ યથાવત રખાઈ છે. જોકે, રેડ અને વ્હાઈટ વાઈનની બોટલ્સ મોંઘી બનશે. વાહનચાલકો જ્યારે પણ તેમની ટેન્ક ફૂલ કરશે ત્યારે ૧.૨૦ પાઉન્ડની બચત કરશે. હેમન્ડે જણાવ્યું હતું કે ૨૦૧૦થી આ ડ્યૂટીમાં કોઈ વધારો થયો નથી, જેનાથી મોટરિસ્ટોને અત્યાર સુધી ૧,૦૦૦ પાઉન્ડની બચત થઈ છે. જોકે, ડ્યૂટીમાં વધારો નહિ થવાથી ટ્રેઝરીને ત્રણ વર્ષમાં ૩૮ બિલિયન પાઉન્ડનો બોજો સહન કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter