લંડનઃ કોવેન્ટ્રીમાં રહેતા લેસ્ટર્સ હોસ્પિટલ્સ ટ્રસ્ટના ચેરમેન કરમજીત સિંહ વધુ ત્રણ વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે નીમાયા છે. ૧૮ મહિના અગાઉ તેમણે યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટના વડાનો હવાલો સંભાળ્યો હતો.
તેમણે જણાવ્યું હતું,‘ આગામી પાંચ વર્ષમાં વધુ સારી સેવા પૂરી પાડવા માટે ૩૨૦ મિલિયન પાઉન્ડની યોજનાના પ્રથમ ભાગરૂપે ૪૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ઈમરજન્સી ફ્લોર સહિત રિઈન્વેસ્ટમેન્ટ અને ડેવલપમેન્ટની યોજનાનું કામ પૂરું થશે તેવી મને આશા છે.’
કરમજીત સિંહ ૨૦૦૬થી ૨૦૦૯ સુધી કોવેન્ટ્રી અને વોરવિકશાયર પાર્ટનરશીપ NHS ટ્રસ્ટના ચેરમેનપદે રહ્યા હતા. તેઓ ૨૦૦૬થી ૨૦૦૯ સુધી બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના પણ ટ્રસ્ટી હતા.
કરમજીત સિંહે ક્વીન માટે કાઉન્સેલ અને સિનિયર સિવિલ સર્વન્ટ્સની નિમણુક, જજીસ માટે ટ્રેનિંગ, કેદીઓની પેરોલના નિર્ણય, ફાઈનાન્સિયલ સર્વિસીસનું નિયમન, રાજકીય પક્ષો માટે ફંડિંગ, પોલીસ ફરિયાદોની તપાસ સહિત રાષ્ટ્રીય સ્તરે ઘણી કામગીરી કરી છે. એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસને આપેલી સેવા બદલ તેમને ૧૯૯૯માં CBE એનાયત કરાયો હતો. તેઓ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ઉભરતા લોકતંત્રો વિશે ખાસ કાર્યરત કોમનવેલ્થ સ્ટડીઝ સેન્ટર અને કોવેન્ટ્રીમાં શિખ મંદિરના વોલન્ટરી ટ્રસ્ટી પણ છે.


