લંડનઃ ચાન્સેલર રાચેલ રીવ્ઝે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર પર સરકારી તિજોરી પર માફ ન કરી શકાય તેવો 22 બિલિયન પાઉન્ડનો બોજો નાખવાનો આરોપ મૂકતાં આગામી બજેટમાં કરવેરામાં વધારાના સંકેત આપી દીધાં છે. રીવ્ઝે સડક અને હોસ્પિટલ બિલ્ડિંગ પ્રોજેક્ટ ક્યાં તો રદ કરી દીધાં છે અથવા તો મોકુફ રાખ્યાં છે. શિયાળાના ફ્યુઅલ પેમેન્ટ ફક્ત ગરીબ પેન્શનરોને આપવાની જાહેરાત કરી છે અને 30મી ઓક્ટોબરના રોજ રજૂ થનારા બજેટમાં મુશ્કેલ નિર્ણયોનો સામનો કરવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
લેબર સરકાર દ્વારા કરાવવામાં આવેલા ઓડિટમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા થનારો ખર્ચ અનામતો ઉપરાંત 21.9 બિલિયન પાઉન્ડનો રહેશે. તેમાં રવાન્ડા યોજના અને માઇગ્રન્ટ્સને રાખવા પાછળ થતા ખર્ચ અને ઇમિગ્રેશન તથા અસાયલમ પર થારા 6.4 બિલિયન પાઉન્ડનો પણ ઉલ્લેખ છે. યુક્રેનને કરાતી લશ્કરી સહાયમાં 1.7 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો થયો છે. રેલવેમાં સુધારાની કિંમત 1.6 બિલિયન પાઉન્ડ રહેશે. સરકારી કર્મચારીઓના પગાર વધારા પાછળ 9.4 બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. ફુગાવાના કારણે વિભાગોના બજેટ પર પણ નોંધપાત્ર દબાણ સર્જાયું છે.
ચાન્સેલર રીવ્ઝ દ્વારા જાહેર કરાયેલાં પગલાં
- પેન્શનરો માટે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ નાબૂદ, ફક્ત બેનિફિટ પર રહેલા પેન્શનરને જ અપાશે, આના કારણે 10 મિલિયન લોકોને આ લાભ બંધ થશે, સરકારને 1.5 બિલિયન પાઉન્ડની બચત થશે
- 6 મિલિયન સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરાશે, સરકાર પર 9 બિલિયન પાઉન્ડનો બોજો પડશે, શિક્ષકો અને એનએચએસના કર્મચારીઓને 5.5 ટકા અને અન્ય વિભાગોના કર્મચારીઓને 5 ટકા, જુનિયર ડોક્ટરોને બે વર્ષમાં 22 ટકાનો વધારો
- કન્ઝર્વેટિવ સરકારના ન્યૂ હોસ્પિટલ પ્રોગ્રામની નવેસરથી સમીક્ષા કરાશે
- ટોરી સરકારે સોશિયલ કેર કેપ લાગુ કરી હતી જેને રીવ્ઝ સરકારે પડતી મૂકી છે, સરકાર રોયલ કમિશનની શરૂઆત કરશે
- સંખ્યાબંધ મોટા રોડ સુધારવા અંગેના પ્રોજેકટ પડતા મૂકાશે, રેલવે પ્રોગ્રામ અંતર્ગત બંધ રૂટો શરૂ કરવાની યોજના પણ પડતી મૂકાઇ
- રિશી સુનાક દ્વારા જાહેર કરાયેલ એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામને પડતો મૂકાશે
- નેટવેસ્ટમાં સરકારના 20 ટકા હિસ્સાના વેચાણની ટોરી સરકારની યોજના પડતી મૂકાઇ
- જાન્યુઆરી 2025થી પ્રાઇવેટ સ્કૂલોએ ફી પર વેટની ચૂકવણી કરવી પડશે
શિક્ષકો અને એનએચએસના કર્મચારીઓને 5.5 ટકાનો પગાર વધારો
સરકાર શિક્ષકો અને એનએચએસના કર્મચારીઓને 5.5 ટકાનો પગાર વધારો આપવા સહમત થઇ છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝે જણાવ્યું હતું કે, શિક્ષકો અને એનએચએસના કર્મચારીઓ માટેની સ્વતંત્ર પગાર સમિતિઓ દ્વારા જાહેર ક્ષેત્રના લાખો કામદારોને ફુગાવા કરતાં વધુ પગાર વધારાની ભલામણ કરાઇ હતી જેને સરકારે સ્વીકારી લીધી છે. સખત પરિશ્રમ કરનારા કર્મચારીઓને પગાર વધારાનો હક છે. સરકારના આ નિર્ણયને કારણે સરકારી તિજોરી પર કેટલાંક બિલિયન પાઉન્ડનો બોજો પડશે. તેના કારણે આકરા આર્થિક નિયમોને વળગી રહેવાની લેબર સરકારની પ્રતિબદ્ધતા પર દબાણ સર્જાશે. રીવ્ઝે જણાવ્યું હતું કે, ભલામણ સ્વીકારવામાં ન આવી હોત તો કર્મચારીઓની વધુ હડતાળોનો સામનો કરવો પડતો. જેના કારણે સરકારને વધુ નુકસાન વેઠવું પડતું.
જુનિયર ડોક્ટરોને 22.3 ટકા પગાર વધારાની ઓફર
ઘણા મહિનાથી પગાર વધારાની માગ સાથે હડતાળો પાડી રહેલા જુનિયર ડોક્ટરોને સરકાર દ્વારા બે વર્ષમાં 22.3 ટકાનો પગાર વધારો આપવાની ઓફર અપાઇ છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનની જુનિયર ડોક્ટરોની કમિટીએ સરકારની આ ઓફરને પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમે આ ઓફર અંગે અમારા સભ્યો સમક્ષ રજૂઆત કરીશું. જો જુનિયર ડોક્ટરો દ્વારા આ ઓફરનો સ્વીકાર કરાશે તો ઘણા લાંબા સમયથી ચાલી આવતી તેમની હડતાળોનો અંત આવશે. જુનિયર ડોક્ટરોની હડતાળોના કારણે લાખોની સંખ્યામાં એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ ચૂકી છે.


