લંડન
રિશી સુનાકે ઓટોમન ફિસ્કલ પ્લાન પહેલાં ચેતવણી ઉચ્ચારી હતી કે જો તેમની સરકાર કરવેરામાં વધારો અને સરકારી ખર્ચમાં કાપ નહીં મૂકે તો ફાઇનાન્સિયલ માર્કેટો બ્રિટનને સજા કરશે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાથી વીજળી બિલ માટે જનતાને કોઇ પ્રકારની સહાય ઉપલબ્ધ નહીં કરાવાય. પોતાના ટીકાકારોને જવાબ આપતાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, લિઝ ટ્રસના મિની બજેટના કારણે બ્રિટન આંતરરાષ્ટ્રીય બજારોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે. તે વિશ્વાસ પાછો મેળવવા માટે સરકારે આંતરરાષ્ટ્રીય બજારોની અપેક્ષાઓ સંતોષવી જ પડશે. જોકે સુનાકે આશ્વાસન આપ્યું હતું કે, ગુરુવારે રજૂ થનારા ઓટોમન સ્ટેટમેન્ટમાં ચાન્સેલર જેરેમી હન્ટ કરવેરામાં કાપ મૂકવાની લાંબાગાળાની યોજનાઓ રજૂ કરશે.
બીજીતરફ ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, આપણે બધાએ થોડો વધારે ટેક્સ ચૂકવવો પડશે જેથી દેશના અર્થતંત્રને પુનઃ પાટા પર લાવી શકાય. તે માટે આપણે આકરા વિકલ્પો અપનાવવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ 2023થી વીજળી બિલ માટે સરકાર દ્વારા અપાતી સહાય સ્થગિત કરી દેવાશે. ફક્ત સૌથી નબળા વર્ગના લોકોને જ આ સહાય અપાય તેવી સંભાવના છે.
ટ્રેઝરી દ્વારા વીજળી બિલ માટે નવું પેકેજ જારી કરાય તેવી સંભાવના પણ છે. ટ્રેઝરી હાલની પ્રાઇઝ કેપમાં સુધારાની તૈયારી કરી રહી છે જેના કારણે પ્રત્યેક પરિવારના સરેરાશ વીજળી બિલમાં 600 પાઉન્ડ સુધીનો વધારો થઇ શકે છે.
જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, મોંઘવારી યથાવત રહેવાની છે. અમે ફુગાવાનો દર નીચો લાવી શક્તાં નથી. જોકે અમે ફુગાવાને સમકક્ષ પગારવધારો આપી શકીશું કે કેમ તે એક કડવું સત્ય છે.


